લંડનઃ યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ અને સાઉથ યોર્કશાયર કાર્ડિયોથોરાસિક સેન્ટર દ્વારા નવા સંશોધન અનુસાર ધૂમ્રપાન કરતી ૫૦થી ઓછી વયની મહિલાઓને ધૂમ્રપાન નહિ કરતી સ્ત્રીઓ અને પુરુષોની સરખામણીએ હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ ૧૩ ગણુ રહે છે. ધૂમ્રપાન ન કરનારાની સરખામણીએ ધૂમ્રપાન કરતા ૧૮-૫૦ વયજૂથના પુરુષોને હાર્ટ એટેકનું જોખમ ૮.૫ ગણુ હોવાની શક્યતા આ સંશોધને જણાવી છે.
હાર્ટ એટેક માટે લિંગભેદ દર્શાવતું આ પ્રથમ સંશોધન છે અને સંશોધકો તે માટેનું કારણ શોધવા આગળ વધી રહ્યા છે. સંશોધનમાં ગંભીર હાર્ટ એટેકની સારવાર લેતા ૩,૦૦૦ દર્દીને આવરી લેવાયા હતા. ધૂમ્રપાન કરતી ૧૮-૫૦ વયજૂથની સ્ત્રીઓને હાર્ટ એટેકનું જોખમ ૧૧ ગણુ હતું જ્યારે આ જ વયજૂથના ધૂમ્રપાન કરતા પુરુષોમાં હાર્ટ એટેકનું જોખમ ૪.૬ ગણુ જણાયું હતું. જોકે, બીજી હકીકત એવી છે કે આ વયજૂથના પુરુષો ધૂમ્રપાન ન કરતા હોય તો પણ સ્ત્રીઓની સરખામણીએ હાર્ટ એટેકના વધુ શિકાર બને તેવી શક્યતા વધુ રહે છે.
વય અથવા લિંગને ધ્યાનમાં ન રાખવામાં આવે તો પણ ધૂમ્રપાન કરનારા લોકો ગંભીર હાર્ટ એટેકનો શિકાર બને તેવું જોખમ પાંચ ગણુ રહે છે.