લંડનઃ લાખો લોકોની ભીડમાં પણ એકલાં હોવું તે સ્થિતિ આરોગ્ય માટે એટલી જ ખરાબ છે, જેટલી દિવસમાં ૧૫ સિગારેટ ફૂંકી જવી અથવા મેદસ્વિતાનો ભોગ બનવું. નવ મિલિયન લોકો એકલતાનો શિકાર છે, જેનાથી અકાળે મોતનું જોખમ ૩૩ ટકા વધી જાય છે. એકલતા માત્ર વૃદ્ધોને નહિ, કોઈ પણ વયના લોકોને સતાવે છે. જો કોક્સ કમિશનના રિપોર્ટમાં એકલતાને સામાજિક રોગચાળો ગણાવાયો છે. મોટા ભાગના જીપી પાસે એકલતાના શિકાર પાંચ દર્દીના કેસ આવે જ છે. સ્ટાફમાં એકલતા સતાવતી હોય તેવા કર્મચારીઓના લીધે એમ્પ્લોયર્સને વાર્ષિક અંદાજે ૨.૫ બિલિયન પાઉન્ડનું નુકસાન સહન કરવું પડે છે.
લેબર પાર્ટીના સાંસદ રાચેલ રીવ્ઝ અને ટોરી પાર્ટીના સીમા કેનેડી દ્વારા લોન્ચ કરાયેલા રિપોર્ટ અનુસાર અન્ય લોકોની સરખામણીએ એકલા લોકોમાં અકાળે મોતનું જોખમ ૩૩ ટકા વધુ રહે છે. લોકો અરસપરસ મદદ કરતા થાય અને પરિવાર તથા સંબંધોને મહત્ત્વ મળે તેવાં જાહેર પ્રચાર અભિયાનો સહિતના પગલાં લેવા રિપોર્ટમાં ભલામણ કરાઈ છે.
ઈંગ્લેન્ડના ચીફ નર્સિંગ ઓફિસર પ્રોફેસર જેન ક્યુમિંગ્સે જણાવ્યું હતું કે, ‘સામાજિક એકલતા લોકોનાં માનસિક આરોગ્ય પર વિનાશક અસર કરે છે એટલું જ નહિ, અકાળે મોતનું જોખમ પણ વધારે છે. તીવ્ર એકલતાના પરિણામો NHSનો સ્ટાફ બરાબર નિહાળી શકે છે. શિયાળામાં તો હોસ્પિટલ્સ, કોમ્યુનિટી સર્વિસીસ અને જનરલ પ્રેક્ટિશનર્સ કામના ભારે બોજા હેઠળ આવી જાય છે. અમારી તો સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ પર મિત્રતાપૂર્ણ નજર રાખવાની લોકોને સલાહ છે. આવી સાદી કામગીરી પણ ગંભીર બીમારી અટકાવી શકે તેમજ જીવન પણ બચાવી શકે છે.’