નાના બાળકોમાં તીવ્ર તાવ આવવો કોઇ બીમારી નથી, પરંતુ તેને થનારી કોઇ બીજી બીમારીની નિશાની છે. બાળકોમાં ટેમ્પરેચર કંટ્રોલ કરવાની ક્ષમતા સંપૂર્ણપણે વિકસિત થયેલી હોતી નથી અને કારણે જ તેમનું શરીર ખૂબ ઝડપથી ઠંડુ કે ગરમ થઇ જાય છે. આથી જ ઋતુ બદલાય ત્યારે નાના બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. નાના બાળકોમાં બીમારી સામે લડવાની ક્ષમતા સંપૂર્ણપણે વિકસિત થતાં સમય લાગે છે અને આ દરમિયાન તેમને ઇન્ફેક્શન થવાની સંભાવના પણ રહે છે.
પીડિયાટ્રિશિયન ડોક્ટર કહે છે, આ સ્થિતિમાં બાળકોમાં પાણીની ઉણપ પેદા થઇ શકે છે, જે ખતરનાક છે. તીવ્ર તાવ હોય છે ત્યારે બાળકોને પાતળા કપડા પહેરાવો, જેથી શરીરની ગરમી સરળતાથી બહાર નીકળી શકે. તેને જાડા ધાબળા કે ચાદરમાં લપેટો નહી. માતા દૂધ સ્તનપાન કરાવતી રહે કે ગાયના દૂધમાં થોડું પાણી મિલાવીને પણ આપી શકાય છે. જો બાળક ત્રણ મહિનાથી નાનું છે અને તેનું શરીર ખુલ્લું કર્યાના દસ મિનિટ પછી પણ તાવ ના ઉતરે તો ડોક્ટરની સલાહ લો.
આટલા નાના બાળકોમાં પરસેવો કાઢવાની ગ્રંથિઓ સંપૂર્ણ વિકસિત હોતી નથી. આથી પણ તાવ ઝડપથી ઉતરતો નથી. જોકે તાવ તંદુરસ્તીની પણ નિશાની છે. તાવનો એક અર્થ એ પણ છે કે બાળકનું રોગપ્રતિકારક તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે.