લંડનઃ નસકોરા બોલાવતા પાર્ટનર સાથે સૂવાથી ગમે તેવા મજબૂત સંબંધો પણ તણાવભર્યા બની જાય છે. હવે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પાર્ટનરના નસકોરાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે.
બ્રિટિશ સ્નોરિંગ એન્ડ સ્લીપ એપ્નીઆ એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે ૨૦ મિલિયન જેટલાં બ્રિટિશર તેમના પાર્ટનરના નસકોરાં બોલતા હોવાથી પૂરી ઉંઘ લઈ શકતા નથી. ઉંઘમાં નિયમિતપણે ખલેલ પડે તો તેનાથી ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીનું જોખમ વધે છે. આ ઉપરાંત, સ્થૂળતા વધી શકે અને સ્ટ્રોક પણ આવી શકે છે. અપૂરતી ઉંઘના કારણે શરીરની સ્વસ્થ થવાની ક્ષમતા અને ચયાપચયની પ્રક્રિયાને અસર પહોંચે છે.
સૌથી મોટી વાત તો એ છે કે જે વ્યક્તિને પૂરતી ઉંઘ ન મળી હોય તે કામમાં વધુ ભૂલો કરે, તેની વિચારશક્તિ મંદ પડે અને ઉત્પાદકતા ખૂબ ઘટી જાય. નસકોરાં બોલાવતી વ્યક્તિ માટે પણ ચિંતા ઉભી થઈ શકે કારણ કે તેનાથી પાર્ટનર સાથેના સંબંધને અસર પડી શકે તેમ ‘બ્રાઈટસાઈડ’માં જણાવાયું હતું.