વોશિંગ્ટનઃ અમેરિકામાં મહામારી બાદ આર્થિક મુશ્કેલી માનસિક બીમારીનું મોટું કારણ બન્યું છે. પરિણામે, મની મેનેજમેન્ટની સાથે એવા પ્રોફેશનલ્સની માંગ વધી છે જે આ લોકોની મનોસ્થિતિ સમજી નિવારણ આપી શકે. બીમાર લોકો પણ પર્સનલ ફાઇનાન્સથી જોડાયેલી બાબત માટે સૌથી વધુ ચિંતિત છે.
ફાઇનાન્સિયલ થેરેપિસ્ટ અમાન્ડા ક્લેમેન કહે છે કે, એક સમય એવો પણ હતો કે લોકો એવું સમજતા જ ન હતા કે નાણાકીય અને માનસિક સ્થિતિ એકબીજાથી જોડાયેલા છે. એટલા માટે આવા પ્રોફેશનની જરૂરિયાત અંગે માનવા પણ તૈયાર ન હતા. જોકે 2008માં આવેલી મંદી પછી લોકોને ફાઇનાન્સિયલ થેરેપિસ્ટની જરૂર પડી. આ સમયે મનોવૈજ્ઞાનિકો અને નાણાકીય સલાહકારોએ મળીને ફાઇનાન્સિયલ થેરેપી એસોસિએશનની રચના કરી. કોઇ પણ વ્યક્તિની માનસિક સ્થિતિ જાણવા માટે મનોવૈજ્ઞાનિકો અત્યાર સુધી એવું પૂછતા હતા કે તમારું દાંપત્યજીવન કેવું પસાર થઇ રહ્યું છે. જોકે હવે પૂછે છે કે, તમારી આર્થિક સ્થિતિ કેવી છે.
કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટીમાં ફાઇનાન્સિયલ થેરેપીના પ્રોફેસર મેગન મેકોય કહે છે કે, તેનાથી વિપરિત નાણાકીય સલાહકારોને લોકોની ભાવના સમજાતી નથી. ફાઇનાન્સિયલ થેરેપીસ્ટ ટ્રેસી વિલિયમ્સ કહે છે કે, કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં ભરતી થતાં એવા દર્દીઓની માનસિક સ્થિતિ વધુ ખરાબ હતી, જેમની પાસે વધુ પૈસા ન હતા. લગ્ન, છૂટાછેડા, નિવૃત્તિ, કારકિર્દીમાં સમસ્યા અને કોઇ સ્વજનના મૃત્યુના દોરમાંથી પસાર થઇ રહેલા લોકો ફાઇનાન્સિયલ થેરેપિસ્ટ પાસે પહોંચી રહ્યા છે.
કોરોના બાદ ફાઇનાન્સિયલ થેરેપિસ્ટની માંગમાં જોરદાર ઉછાળો આવ્યો છે. માંગ વધતા થેરેપિસ્ટની ફીમાં પણ વધારો થયો છે. અત્યારે ફાઇનાન્સિયલ થેરેપિસ્ટ એક વિઝિટ માટે 100 ડોલરથી માંડીને 750 ડોલરની ફી વસૂલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહામારી પહેલા થેરેપિસ્ટની આ ફી અડધી હતી.