તાઇવાનના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા સર્વેક્ષણમાં ૧૮ પ્રકારની વિવિધ કસરતોની તપાસ કરી હતી. જેનો હેતુ કયા કારણસર વ્યક્તિમાં મેદસ્વીપણું આવે છે તે જાણવાની તાલાવેલી હતી. વૈજ્ઞાનિકોને આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે શરીરની સ્થૂળતાનું મૂળ કારણ ખરાબ જિન્સ નથી. ફેટ ડીએનએની આ સમસ્યા પર સાઇક્લિંગ અને સ્વિમિંગથી તો અંકુશ મેળવી જ શકાય છે, પરંતુ નિયમિત રીતે વોકિંગ કે જોગિંગ કરીને મેદસ્વીપણા પર વધુ સારી રીતે કાબૂ મેળવી શકાય છે. આનાથી શરીર વધુ ઝડપથી પૂર્વવત સ્થિતિમાં આવી શકે છે. તાઇવાનમાં આ સર્વે નિયમિત રીતે જોગિંગ કરતાં લગભગ ૨૦ હજાર લોકો પર હાથ ધરાયો હતો.
તાઇવાનના વૈજ્ઞાનિકોએ વોકિંગ અને જોગિંગને શ્રેષ્ઠ કસરત ગણાવી છે કારણ કે સાઇક્લિંગ અને સ્વિમિંગમાં વ્યક્તિને ઓછી કસરત થાય છે કેમ કે તેમાં શરીરના કેટલાક અંગોનો જ ઉપયોગ થાય છે જ્યારે ચાલતી વેળા શરીરના દરેક અંગનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ચાલવાથી માણસ વધુ સ્ફૂર્તિલો અને સ્વસ્થ પણ રહે છે.
નેશનલ તાઇવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ સંશોધન માટે ૩૦થી ૭૦ વર્ષના ૧૮,૪૨૪ લોકો પર કસરતની અસરનું સંશોધન કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે જો વ્યક્તિ કસરતને છોડી દે છે તો તેનામાં મેદસ્વિતા વધવાની શક્યતા બમણી થઈ જાય છે. આની સરખામણીએ જોગિંગ કે વોકિંગ એક શ્રેષ્ઠ કસરત હોવાનું ડો. વેન યુ લીને જણાવ્યું હતું.