બૈજિંગઃ તાઇવાનના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ હાથ ધરીને ૧૮ પ્રકારની વિવિધ કસરતોની શરીર પર થતી અસરની તપાસ કરી હતી. આ અભ્યાસનો હેતુ કયા કારણસર વ્યક્તિમાં મેદસ્વીપણું આવે છે તે જાણવાનો હતો. વૈજ્ઞાનિકોને આ અભ્યાસમાં જાણવા મળ્યું કે શરીરની સ્થૂળતાનું મૂળ કારણ ખરાબ જિન્સ નથી. આ સમસ્યાને નાથવા માટે સાઇક્લિંગ અને સ્વિમિંગના બદલે નિયમિત જોગિંગ કરવું જોઇએ. આનાથી પેટના ડીએનએ પર કાબુ મેળવી શકાય છે. પેટને ઘટાડવા માટે કસરતો કરવા કરતાં પણ નિયમિત રીતે જોગિંગ કરવાથી શરીર પોતાની પૂર્વવત્ સ્થિતિમાં આવી શકે છે. તાઈવાનમાં હાથ ધરાયેલા આ સર્વેમાં નિયમિત રીતે જોગિંગ કરતાં માટે ૩૦થી ૭૦ વર્ષની વયના ૨૦ હજાર લોકોને આવરી લેવાયા હતા. જોગિંગથી તેમના શરીર પર થયેલા ફેરફારોને નોંધવામાં આવ્યા હતા. આ તમામ માહિતીના આધારે તાઈવાનના વૈજ્ઞાનિકોએ જોગિંગને શ્રેષ્ઠ કસરત ગણાવી છે. તેમનું કહેવું છે કે સાઇકલિંગ અને સ્વિમિંગ દરમિયાન કેટલાક અંગનો જ વિશેષ ઉપયોગ થાય છે જ્યારે જોગિંગમાં શરીરના દરેક અંગનો ઉપયોગ થાય છે. તેમજ જોગિંગથી માણસ સ્ફૂર્તિલા અને સ્વસ્થ પણ રહે છે. નેશનલ તાઇવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ સંશોધનના આધારે એમ પણ તારવ્યું હતું કે જો વ્યક્તિ કસરતને વ્યક્તિ છોડી દે છે તો તેમાં સ્થૂળતા વધવાની શક્યતા બમણી થઈ જાય છે.