દરેક વ્યક્તિનું શરીર 20 વર્ષની ઉંમર બાદ દરેક દસકા સાથે વિવિધ પરિવર્તનોમાંથી પસાર થાય છે. જેમ-જેમ ઉમર વધે છે, તેમ તેમ તેની અસર ત્વચા, આરોગ્ય અને ક્ષમતા પર થાય છે. વ્યક્તિના પાચન સંબંધિત તંત્રમાં પરિવર્તન આવે છે. હૃદયની ક્ષમતા ઘટવા લાગે છે. હાડકાં સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. આ સંજોગોમાં 20 વર્ષની ઉમરને માઈલ સ્ટોન ગણીને દર 10 વર્ષે સમયાંતરે કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવી લેવામાં આવે તો ભવિષ્યમાં કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી બીમારીઓથી બચી શકાય છે કે તેનો ખતરો ઘટાડી શકાય છે.
20થી 30ની ઉંમર
મહિલાઓ એચપીવીની તપાસ જરૂર કરાવે
બ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ કોલેસ્ટ્રોલ, લિવર સંબંધિત બીમારીઓ, વિટામિન બી-12 અને ડી-3ની અવશ્ય તપાસ કરાવો. તેનાથી શરીરને ભવિષ્યમાં થતી બીમારીઓનો અંદાજ લગાવી શકાય છે. આ ઉપરાંત મહિલાઓ હ્યુમન પાપિલોમા વાઈરસ (એચપીવી) અને યુરિનની તપાસ જરૂર કરાવે. કેટલાક વિશેષ પ્રકારના એચપીવી મહિલાઓમાં કેન્સરનું જોખમ વધારે છે. તેની શરૂઆત 20ની ઉંમરમાં થઈ જાય છે.
આને ટેવ બનાવો... 20ની ઉમર પછી માંસપેશીઓને મજબૂત રાખવા માટે મહેનત જરૂરી છે. આથી સપ્તાહમાં 5 દિવસ 45 મિનિટની કસરત કરો કે શરીરને શ્રમ પડે તેવી રમત રમો. વધુ કાર્બોહાઈડ્રેટ વાળા ફૂડના સ્થાને ફળ, શાકભાજી અને લીન પ્રોટીનવાળું ભોજન આરોગો.
31થી 40ની ઉંમર
સ્ટ્રેસ લેવલની તપાસ અત્યંત જરૂરી
પુરુષ હોય કે સ્ત્રી 30 વર્ષની ઉંમર પછી જીવનશૈલી સંબંધિત બીમારીઓ જેમ કે ડાયાબિટીસ, હાઈપરટેન્શન વગેરેનું જોખમ વધવા લાગે છે. સ્ટ્રેસ (તણાવ) પણ તેનું એક મોટું કારણ છે. આથી અગાઉ જણાવી એ તપાસ ઉપરાંત કિડની, સ્કિન, આંખ અને દાંતોની તપાસની સાથે ઈસીજી, છાતીનો એક્સ-રે, સીબીજી અને સ્ટ્રેસ ટેસ્ટને પણ સામેલ કરો. વર્ષમાં એક વાર કોરોનરી હાર્ટ ડિસીઝનો ટેસ્ટ પણ જરૂરી છે.
આ વયજૂથના લોકોએ ભોજનમાંથી સુગરનું પ્રમાણ ઘટાડવું જોઇએ. ભોજનમાં વધારાની સુગરનું પ્રમાણ ઘટાડીને જીવનશૈલી સંબંધિત બીમારીઓના જોખમને ઘટાડી શકાય છે. તે સ્થૂળતાથી માંડીને ઈન્ફ્લેામેશન સુધી વધારે છે. આથી મિલ્કશેક ફૂટ જ્યુસ અને જંકફૂડ ઘટાડો અને ફળ-લીલા શાકભાજીનું પ્રમાણ વધારો.
41થી 50ની ઉંમર
પુરુષો માટે પ્રોસ્ટેટની તપાસ મહત્ત્વની
શું તમે જાણો છો કે પુરુષ હોય કે સ્ત્રી 40 વર્ષની ઉમરમાં મેટાબોલિઝમ લગભગ 5 ટકા સુધી ઘટે છે? મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોન અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટે છે, જેના લીધે વજન વધવા લાગે છે. મહિલાઓમાં હાડકાં નબળા પડવા લાગે છે. આથી હાડકા માટે કેલ્શિયમ ટેસ્ટ અને ડેક્સા સ્કેન કરાવવો જરૂરી છે. કેન્સર સ્ક્રીનિંગની શરૂઆત કરો. પુરુષોએ પેટ અને પ્રોસ્ટેટની સોનોગ્રાફી કરાવવી જોઈએ.
ભોજનમાં આ પરિવર્તન લાગુ કરો. ભોજનમાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ જેમ કે, બ્રેડ, પાસ્તાને બદલે ઓટ્સ, બાજરી વગેરે સામેલ કરો. તેમાં રહેલું ફાઈબર વજન ઘટાડે છે. ફ્રુટ જ્યુસને બદલે આખા ફળ ખાવાને વિશેષ પ્રાધાન્ય આપો.
51થી 60ની ઉંમર
આંતરડા સંબંધિત કેન્સર ટેસ્ટ કરાવો
પુરુષોમાં આંતરડાના કેન્સરના 90 ટકા કેસ 50ની ઉંમર પછી જોવા મળે છે. આથી તેની તપાસ જરૂર કરાવો. આ ઉમરે આંખ અને કાનની ક્ષમતા ઘટવા લાગે છે. આથી તેને સંબંધિત તપાસ દર વર્ષે જરૂરી છે. આ ઉંમરે મહિલાઓને મોનોપોઝ આવે છે, જેના કારણે મૂડ સ્વિંગ - ડિપ્રેશન - ચીડિયાપણું જેવી સમસ્યા પેદા થાય છે. આ માટે તમે મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવી શકો છો.
શરીરમાં પાણીની ઊણપ પેદા ન સર્જાવા દો. આ ઉમરે પાણીની ઊણપથી થાક, માંસપેશીઓમાં દુ:ખાવો જેવી સમસ્યાઓ વધુ હોય છે. કોફી, સોડા, આલ્કોહોલ શરીરમાં પાણીની ઊણપ વધારે છે. આથી તેનું પ્રમાણ મર્યાદિત કરો. તરસ લાગે કે ના લાગે પાણી પીવાનું પ્રમાણ વધારો.
60 વર્ષથી વધુ
ડિપ્રેશન અને અલ્ઝાઈમર્સની તપાસ જરૂરી
60 વર્ષની ઉંમર પછી રોગપ્રતિકારક ક્ષમતા ઝડપથી ઘટવા લાગે છે. દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. સાંભળવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. અને શારીરિક સંતુલન સંબંધિત સમસ્યાઓ વધે છે, જેના કારણે હાડકાંના ફ્રેક્ચરની તકલીફ વધે છે. આથી તેના સંબંધિત તપાસ ઉપરાંત ડિપ્રેશન અને અલ્ઝાઈમર્સની તપાસ પણ કરાવો. દાંતોની તપાસ પણ આ ઉમરે જરૂરી છે.
નિયમિત કસરત કરતાં રહો. રિસર્ચ કહે છે કે, 60ની ઉમર પછી પણ જે લોકો કસરત કરે છે, તેમાં હૃદયરોગોનું જોખમ 11 ટકા સુધી ઘટે છે. આ જોખમ ઘટાડવા માટે બ્રિસ્ક વોક, ગાર્ડનિંગ, વેઈટલિફ્ટિંગ અને યોગ જેવા અભ્યાસ ધમનીઓને સંકોચાતી બચાવે છે.