નિરામય જીવન માટે જરૂરી છે દર સપ્તાહે 150 મિનિટની કસરત

Friday 19th July 2024 07:48 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ નિષ્કર્ષ કાઢ્યો છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે 150 મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. આ લોકોની યાદશક્તિ સારી રહી છે. સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી. જે લોકો કસરત કરવાની બાબતે આળસુ છે એમના માટે હળવી કસરત શરીરને સ્વસ્થ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય બની શકે એમ છે. શરીર એક એવું મશીન છે જે 24 કલાક કાર્યરત રહે છે. વ્યક્તિ ઊંઘતી હોય છે ત્યારે પણ એનું મગજ જાગ્રત અવસ્થામાં હોય છે અને શ્વાસોશ્વાસ, રુધિરાભિષરણ અને ચયાપચયની ક્રિયા સહિતની ઘણી સિસ્ટમ કાર્યરત હોય છે. શરીરને જાગૃત અવસ્થામાં કસરતની જરૂર હોય છે કારણ કે કસરત કરવાથી માણસને ઊંઘ સારી આવે છે. સારી ઊંઘ ધરાવતા વ્યક્તિનું માનસિક સંતુલન સારું રહે છે. કસરતથી આખા શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે. હાર્ટ મજબૂત બને છે. નિયમિત રીતે કસરત કરનારા લોકોમાં હૃદયસંબંધિત રોગો થતા નથી અને પેરાલિસિસનો હુમલો આવવાનું રિસ્ક પણ ઘણું ઘટી જાય છે. આ સિવાય ડાયાબિટીસનો ખતરો પણ ઘટે છે. અઠવાડિયામાં 150 મિનિટ કસરત કરવા માટે ટાઇમટેબલ બનાવવાની જરૂર છે. જેમ કે વીકમાં બે વાર 40-40 મિનિટ ચાલવું જોઈએ. બે વાર 20-20 મિનિટ હળવો વ્યાયામ કરવો જોઈએ અને 30 મિનિટ માટે કોઈ રમત રમવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter