તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા વર્લ્ડ મેન્ટર હેલ્થ ડે મનાવાયો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય માનસિક સમસ્યાઓ અને બીમારીઓ પ્રત્યે જાગૃતિ વધારવાનો છે અને તેનાથી પીડિત લોકોની મદદ કરવાનો છે. આજની ભાગદોડભરી જીવનશૈલીમાં માનસિક શાંતિનું વિશેષ મહત્ત્વ છે. મેન્ટલ ડિસઓર્ડર અંગે ચિંતાની વાત એ છે કે છેલ્લાં 30 વર્ષમાં દુનિયાભરમાં પીડીતોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. અલબત્ત, તેનું એક કારણ એ પણ છે કે જાગૃતિ વધવાથી આ બીમારીઓને છુપાવી શકાતી નથી. ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીના એક સરવેમાં જોવા મળ્યું કે, કોવિડ-19 પછી દેશમાં માનસિક આરોગ્યની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોમાં 20 ટકાનો વધારો થયો છે. વર્તમાનમાં રહેવા, સ્વજનો સાથે જોડાયેલા રહેવા અને કસરત કરવાથી પણ માનસિક આરોગ્ય સુધારવામાં ઘણી મદદ મળે છે. માનસિક આરોગ્ય - શાંતિ એટલા માટે પણ આવશ્યક છે કે તેની આડઅસર એક યા બીજા પ્રકારે આપણા શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડતી હોય છે. આથી જ નિષ્ણાતો કહે છે કે નિરામય સ્વાસ્થ્ય માટે માનસિક શાંતિ અનિવાર્ય છે. અહીં એવી કેટલાક સુચન - ટિપ્સ આપ્યા છે જેનાથી માનસિક શાંતિ પામવાનું સરળ બની શકે છે.
એકાંત અને એકલતામાં ફરક સમજો
કોવિડમાં એકલવાયાપણા અંગે કરાયેલા રિસર્ચમાં જાવા મળ્યું કે, એકલવાયાપણું એક નવી મહામારી બની ગઈ છે. તેની સીધી માનસિક આરોગ્ય પર અસર થાય છે. વિશેષજ્ઞોના મતે તેમાંથી બહાર આવવાની સૌથી શ્રેષ્ઠ રીત સંબંધો વિકસાવવાની છે. બીજાની ભાવનાઓ અંગે સંવેદનશીલ બનવાનું છે. તેનાથી એકલવાયાપણુ દૂર થશે. દરરોજ એક એચીવમેન્ટનો અહેસાસ થશે. એકાંત માણવા જેવું હોય છે, જ્યારે એકલવાયાપણું વ્યક્તિને અંદરથી કોરી ખાતું હોય છે.
આવતીકાલ અંગે વધુ પડતી ચિંતા ના કરો
જે સમયે જ્યાં છો, મનને ત્યાં લગાવી રાખો. તેમાં તમારા વિચાર, અહેસાસ અને શરીર ત્રણેય સામેલ છે. ભૂતકાળનો કોઈ બોજો કે ભવિષ્ય અંગે કારણ વગર ચિંતિત ના બનો. તેના માટે દરરોજ પોતાના માટે નાના-નાના ગોલ સેટ કરો. જેમાં પોતાના રૂમની સફાઈથી માંડીને પુસ્તકોનું કબાટ ગોઠવવાનું કામ હોઈ શકે છે. શરીરને કોઇ પ્રવૃત્તિમાં પરોવશો તો મનને બિનજરૂરી ચિંતાના વમળમાં અટવાતું બચાવી શકશો.
ઊંઘતા પહેલાં ડાયરી અવશ્ય લખો
આપણે દરરોજ જાતભાતના અનેક અનુભવોમાંથી પસાર થઈએ છીએ. આ અનુભવોમાં કોઇ આનંદનો પ્રસંગ પણ હોઇ શકે છે અને કોઇ પ્રસંગ વ્યથિત કરે તેવો પણ હોઇ શકે છે. કોઇ વાત પર ખુશી કે કોઈ વાત પર ગુસ્સો કે ચીડ પણ હોઈ શકે છે. શક્ય છે કે આ તમામ બાબતો અંગે વિચારતા રહેવાને કારણે તમે રાત્રે સારી રીતે ઊંઘી ન શકો. આવી સ્થિતિમાં દિવસભરની એ બાબતોને એક ડાયરીમાં લખી નાંખવાનું ખૂબ મદદગાર બનશે જે તમને ચિંતિત કરી રહી છે.
થોડીક મિનિટો માટે મેડિટેશન પણ સારું
કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે, જ્યારે ભાવનાઓ તમારા પર પ્રભાવી થઈ જાય છે. આ સ્થિતિમાં મેડિટેશનથી તેમના પર કાબૂ મેળવી શકાય છે. મેડિટેશનનો અર્થ છે કે, જે સ્થાને બેઠા છો, જે કંઇ જોઈ કે સાંભળી રહ્યા છો... તેમાં પાછા આવવું. તમારી દરેક ઈન્દ્રિય એટલે કે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા આ દરેકથી વાતાવરણને અનુભવો. થોડોક સમય ફાળવો અને મેડિટેશન અવશ્ય કરો.
લાગણીઓને સમજો, વ્યક્ત કરો
જો કોઈ વ્યક્તિ માનસિક ચિંતાનો સામનો કરી રહી છે તો ક્યાંક ને ક્યાં તેને એ વાતનો અહેસાસ જરૂર હોય છે. ઘણી વખત જાગૃતિના અભાવે કે સામાજિક ડર કે કલંકને કારણે વ્યક્તિ તેને નજરઅંદાજ કરતી હોય છે અને મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે. હીન ભાવના કે નિરાશાને કારણે તેના અસ્તિત્વને સ્વીકારી શકતા નથી. પીડિત વ્યક્તિ આ અડચણોમાંથી બહાર આવીને ચિંતાનું કારણ સારી રીતે જણાવી શકે તો આ પગલું તેને માનસિક અશાંતિમાંથી બહાર આવવામાં બહુ જ મદદરૂપ થાય છે.