નીઆસીન વધુ લેવાય તો પણ હૃદયરોગનું જોખમ

હેલ્થ બુલેટિન

Sunday 28th July 2024 07:59 EDT
 
 

નીઆસીન વધુ લેવાય તો પણ હૃદયરોગનું જોખમ

વિટામીન B3 અથવા નીઆસીન આપણા શરીર માટે આવશ્યક બી વિટામીન ગ્રૂપનું એક વિટામીન છે. નીઆસીન ખોરાકને શક્તિમાં ફેરવવા અને નર્વસ સિસ્ટમને સપોર્ટની કામગીરીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેની ઉણપ જીવલેણ કુપોષણ ઉપજાવે છે. નીઆસીન આપણને માંસ, પોલ્ટ્રી, ફોર્ટિફાઈડ બ્રેડ્સ, એકદળ અનાજ (સીરીઅલ્સ) અને કેળાંમાંથી મળી રહે છે. આપણું શરીર નીઆસીનનું ઉત્પાદન કરતું ન હોવાથી બહારથી મેળવવું પડે છે. સામાન્યપણે લોકો વિટામીન્સના સપ્લિમેન્ટ્સનો વધુ ઉપયોગ કરતા રહે છે ત્યારે ‘નેચર મેડિસિન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસ વિટામીન્સના આડેધડ ઉપયોગ સામે લાલબત્તી ધરે છે. ઘણી વખત વિટામીન્સ ફાયદાના બદલે નુકસાન પણ કરે છે. અભ્યાસ જણાવે છે કે તબીબી જરૂરિયાત સિવાય લોકોએ સપ્લિમેન્ટ્સ લેવાનું ટાળવું જોઈએ કારણકે વિટામીનB3 અથવા નીઆસીન વધુ પ્રમાણમાં લેવાય તો પણ હૃદયરોગ, સ્ટ્રોક અથવા અન્ય ખતરનાક કાર્ડિઆક ઘટનાના જોખમમાં વધારો કરે છે. વધુપડતું નીઆસીન રક્તવાહિનીઓમાં સોજા લાવે છે અને પરિણામે તેની દીવાલો જાડી બને છે અને રક્તપ્રવાહમાં અવરોધ સર્જાવાથી હૃદય સહિત અવયવો અને ટિસ્યુઝને નુકસાનનું જોખમ વધે છે. કાર્ડિઓવાસ્કુલર રોગ માટે નવા જોખમી પરિબળો કે બાયોમાર્કર શોધવાના અભ્યાસમાં 1,162 પેશન્ટનું મૂલ્યાંકન કરાયું હતું જેમના બ્લડ સેમ્પલ્સમાં 4PY તત્વ મળ્યું હતું જે નીઆસીનનું પ્રમાણ વધારે હોય ત્યારે જણાય છે. યુએસ અને યુરોપના હાર્ટ એટેક આવ્યો હોય કે તેનું ભારે જોખમ હોય તેવા 3,163 વયસ્કોનો ડેટા ચકાસાયો ત્યારે પણ તેમના બ્લડ સેમ્પલ્સમાં 4PY તત્વની હાજરી મળી આવી હતી. સંશોધકોએ ઊંદરોમાં 4PY તત્વ દાખલ કરતા તેમની રક્તવાહિનીઓની દીવાલોમાં સોજા વધી ગયા હતા. અગાઉના સંશોધનોમાં જણાયું હતું કે ઊંચા કોલેસ્ટરોલ ધરાવતા લોકોમાં નીઆસીન સપ્લિમેન્ટ્સ લેવાથી કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટતું હતું આમ છતાં, સ્ટ્રોક્સ અને હૃદયરોગ ઘટ્યા ન હતા.

•••

દિવસમાં કેટલું પાણી પીવાની જરૂર રહે?

જીવન અને આરોગ્ય માટે જળ આવશ્યક છે. આપણા શરીરમાં પાણીનો હિસ્સો 50થી 60 ટકા જેટલો છે અને પાણી પીતા રહીને તેનું બેલેન્સ જાળવી રાખવું જરૂરી છે. તમારે રોજ કેટલું પાણી પીવું જોઈએ તેની ચોક્કસ વ્યાખ્યા નથી પરંતુ, પાણી, અન્ય પીણાં અને ખોરાકમાં રોજ કેટલું પ્રવાહી લેવું જોઈએ તેની ભલામણ થયેલી છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સ્ત્રીઓએ દરરોજ 11.5 કપ અને પુરુષોએ 15.5 કપ પ્રવાહી લેવું આવશ્યક છે. આપણને પાણીની રોજિંદી જરૂરિયાતના લગભગ 20 ટકા તો ખોરાકમાંથી મળી રહે છે એટલે બાકીના 80 ટકા સાદા પાણી સહિત અન્ય પ્રવાહીમાંથી મેળવવાના રહે છે. આનો અર્થ એ થાય કે સ્ત્રીઓએ દરરોજ 9 કપ અને પુરુષોએ 13કપ જેટલું પ્રવાહી લેવું આવશ્યક છે. તમારે રોજ કેટલું પ્રવાહી લેવું તેની જરૂરિયાત દિવસ અને વ્યક્તિ અનુસાર બદલાતી રહે છે કારણકે પરસેવા, પેશાબ, મળ, શારીરિક અને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દરમિયાન ગુમાવાતા પ્રવાહીનું પ્રમાણ અલગ રહે છે. આપણા શરીરને કામ કરવા માટે પાણી પર આધાર રાખવો પડે છે. પાણી શરીરનાં તાપમાનની જાળવણી, સાંધાના લુબ્રિકેશન અને ત્વચાની લવચીકતા, ટિસ્યુઝના રક્ષણ, પેશાબ, પરસેવા અને આંતરડાના હલનચલન સાથે કચરાના નિકાલમાં મદદ સાથે કબજિયાત અટકાવે છે. સંશોધકોએ 30 વર્ષના ગાળા સુધી 11,000થી વધુ લોકોના હેલ્થ ડેટા પર નજર રાખ્યા પછી તારણો કાઢ્યા છે કે ઓછું પાણી પીનારા લોકોમાં સીરમ સોડિયમ લેવલનું પ્રમાણ ઊંચું હોય છે અને તેમને વહેલી વૃદ્ધાવસ્થા, હૃદયરોગ અને ફેફસાની બીમારી અને યુવાનીમાં મોતનું જોખમ વધુ રહે છે. ગળપણ સાથેના પીણાંના બદલે પાણી અથવા અને પીણાં પીનારા લોકોને ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું રહે છે. પાણી પીવાના લીધે શરીરનું વજન યોગ્યપણે જળવાઈ રહેવામાં મદદ મળે છે કારણકે પાણીમાં શૂન્ય કેલરી હોવાં સાથે ચરબી બાળવામાં મદદ કરે છે. માંદગી, ગરમ હવામાન, વધુ ઊંચાઈએ વસવાટ, નિયમિત કસરત, સગર્ભાવસ્થા, બ્રેસ્ટફીડિંગ જેવી પરિસ્થિતિઓમાં પાણીનો વધુ ઉપયોગ કરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter