નીઆસીન - વિટામીન B3 વધુ લેવાથી હૃદયરોગનું જોખમ
આપણામાં કહેવાય છે કે ‘જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી’. આપણા શરીર માટે વિટામીન્સ અને તેમાં પણ B ગ્રૂપના વિટામીન્સ આવશ્યક ગણાય છે પરંતુ, વધુ પ્રમાણમાં લેવાય તો શરીરમાં રોગનું કારણ પણ બને છે. નેચર મેડિસીનમાં પ્રસિદ્ધ નવા અભ્યાસ અનુસાર વિટામીન B3 નામથી ઓળખાતું નીઆસીન -વિટામીન B3 એવું પોષકતત્વ છે જે શરીરને કામગીરી કરવા માટે જરૂરી છે. લીધેલા ખોરાકનું ઊર્જામાં રૂપાંતર કરવામાં, ત્વચાનું આરોગ્ય જાળવવામાં અને નર્વસ સિસ્ટમને સપોર્ટ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો નીઆસીન સપ્લીમેન્ટ તરીકે વધુ પ્રમાણમાં લેવામાં આવે તો તે હૃદયરોગ, સ્ટ્રોક્સ અને અન્ય ખતરનાક કાર્ડિયાક ઈવેન્ટ્સનું જોખમ વધારે છે. આપણા શરીરમાં નીઆસીનનું ઉત્પાદન થતું ન હોવાથી માંસ અને માછલીથી માડી કેળાં, ફોર્ટીફાઈડ બ્રેડ, આખું અનાજ- ધાન્ય, સૂકા મેવા અને બિયાં જેવાં ખોરાકમાથી મેળવવું પડે છે. નીઆસીનની અછતના કારણે પેલાગ્રા નામે ગંભીર કુપોષણની પરિસ્થિતિ સર્જાય છે. સંશોધકોને જાણવા મળ્યું હતું કે વધુપડતું નીઆસીન રક્તવાહિનીઓની દીવાલને જાડી બનાવે છે જેનાથી રક્તપ્રવાહ નિયંત્રિત બને છે પરિણામે હૃદય સહિતના અંગો અને ટિસ્યુઝને નુકસાન પહોંચે છે. સંશોધકોએ ભલામણ કરી હતી કે તબીબી સલાહ ન અપાય ત્યાં સુધી નીઆસીન સપ્લીમેન્ટ્સ લેવાથી દૂર રહેવું જોઈએ.
•••
પાંદડાદાર શાકભાજી બ્લડ પ્રેશર નીચું લાવી શકે
લીલાં શાકભાજી ખાવાથી શરીરનું આરોગ્ય વધે છે તે સર્વમાન્ય હકીકત છે. BMC Medicine મેગેઝિનમાં પ્રસિદ્ધ નવા અભ્યાસ અનુસાર બ્રોકોલી, કોલીફ્લાવર, કોબીજ અને કાએલ નામની લીલી કોબીજ જેવાં શાકભાજી કાચા અથવા સલાડ તરીકે પણ ખાવાથી હાઈપરટેન્શન કે હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ ધરાવતા વયસ્કોને લોહીનું ઊંચુ દબાણ નીચે લાવવામાં તેમજ ટ્રાયગ્લિસરાઈડ્સ ઘટાડવામાં મદદ મળે છે જેના પરિણામે, હૃદયરોગ અને સ્ટ્રોક્સનું જોખમ ઘટે છે. સંશોધકોને જાણવા મળ્યું હતું કે બે સપ્તાહ સુધી દરરોજ બ્રોકોલી, કોલીફ્લાવર, કોબીજ જેવાં ક્રુસિફેરસ શાક ભોજનમાં લેવાથી હૃદયના સ્નાયુઓના સંકોચનથી સર્જાતું સિસ્ટોલિક બ્લડ પ્રેશર નીચું લાવવામાં મદદ મળે છે. પાંદડાદાર શાકભાજીમાં વધુ પ્રમાણમાં ફાઈબર અને વિટામીન સી પણ હોય છે જેનાથી આંતરડાનું આરોગ્ય અને રોગપ્રતિકારશક્તિ વધે છે. જોકે, ભોજનમાં અન્ય પદાર્થો સાત્વિક હોય તે પણ આવશ્યક જ છે.