નવી દિલ્હી: દૃષ્ટિહીન લોકો માટે આનંદદાયક સમાચાર છે. અંધત્વનો ભોગ બનેલા લોકો નરી આંખે દુનિયા નિહાળતા થાય તે માટે વિજ્ઞાનીઓ લાંબા સમયથી કાર્યરત છે. થોડા સમય પૂર્વે જ જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના પ્રો. સીડોંગ લેઈન આગેવાનીમાં એક એવું ઉપકરણ સફળતાપૂર્વક ડિઝાઈન કર્યું છે કે જેના થકી વિજ્ઞાનીઓ ઈલેક્ટ્રોનિક આંખ વિકસાવી શકશે, તેથી દૃષ્ટિહીનોને પણ દૃષ્ટિ મળશે.
આ ઉપકરણ એક નાની એવી ઈલેક્ટ્રિક આંખ બની રહેશે અને એ માટે તેમણે વર્ટિકલ સ્ટેકીંગ સિસ્ટમનો અભ્યાસ કરીને તેના દ્વારા જ એક નવું જ ડીવાઈસ રચ્યું છે.
નિષ્ણાતોની આ ટીમનું લક્ષ્ય એક માઈક્રો સ્કેલ કેમેરા બનાવવાનું છે, જે રોબોટની આંખો તરીકે કામ કરે છે. હવે આ રચના માનવી સુધી પહોંચાડવા માટે સંશોધકોનો પ્રયાસ ચાલુ છે. આટલું જ નહીં, પરંતુ આ ટેક્નિકનો ઉપયોગ તેઓ કલર બ્લાઈન્ડ માટે પણ કરવાના છે અને તે માટે નવા પ્રકારનું ઈમેજ સેન્સર બનાવવામાં આવશે. તે માટે કેટલાક મૌલિક સિદ્ધાંતોનો ઉપયોગ કરાશે.
સંશોધન ટીમને તેના પહેલા ચરણમાં સફળતા મળી હોવાથી આ ટીમ ઉત્સાહિત છે અને હવે તે અંગે વિશેષ પ્રયોગ કરવાની છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ઓસ્ટ્રેલિયાની મોનાસ યુનિવર્સિટીના સંશોધકોએ બાયોનિક આંખ વિકસાવી હતી અને આ માટે કુદરતી આંખની ખૂબીઓનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. ભારે જહેમત બાદ બે વર્ષ પૂર્વે વિકસાવાયેલી આ આંખને વિજ્ઞાનીઓએ દુનિયાની પહેલી બાયોનિક આંખ ગણાવ હતી.