આણંદઃ સરોગીસ માટે જાણીતા ડો. નયનાબેન પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમના આણંદસ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં પ્રિ-ઇમ્પાલટેનશ જિનેટિક ટેસ્ટિંગ ફોર મોનોજેનિક ડિસઓર્ડર એલ્મિનિઝમ પદ્ધતિના ઉપયોગ થકી રંગહીનત્વથી મુકત એવા તંદુરસ્ત બાળકનો જન્મ કરાવવામાં સફળતા મળી છે. વારસાગત રોગ કે ખોડખાંપણવાળા બાળક ના જન્મે તે માટે દંપતીના લોહીના નમુના લઇને જરૂરી પરીક્ષણ કર્યા બાદ જિનેટિક ટેસ્ટીંની નવી પદ્ધતિ અપનાવીને ખોડખાંપણમુક્ત બાળકોને જન્મ આપી શકાય છે. તાજેતરમાં તેમણે આધુનિકતમ તબીબી પદ્ધતિનો ઉપયોગ કરીને નૈરોબીના એક દંપતીને રતાંધળાપણાથી મુક્ત સંતાનની ભેટ આપી છે.
ડો. નયનાબહેન છ વર્ષ પહેલાં આનુવંશિક ખામી ધરાવતા અમેરિકન દંપતીના સંપર્કમાં આવ્યા હતા. તેમની તકલીફ જોઇને નયનાબહેને ભવિષ્યમાં કોઇ પણ દંપતીને ખોડખાંપણયુક્ત બાળક ન જન્મે તે માટે પ્રયાસ હાથ ધર્યા હતા. તેમની મહેનત આખરે રંગ લાવી છે. નયનાબહેને જિનેટિક ન્યુટ્રેશન પદ્ધતિથી ટેસ્ટીંગ કરીને નૈરોબીના દંપતીને રોગમુકત બાળક અપાવવામાં સફળતા મેળવી છે.