હોસ્પિટલમાં ભીડ કે કોઈ બીમાર વ્યક્તિને જોઈને તમે પોતે પણ તરત જ ‘બીમાર’ હોવાનું અનુભવવા લાગો છો. ગળામાં ખરાશ, શરીરમાં બેચેની કે પછી ચેપને કારણે થતાં કેટલાંક લક્ષણ અનુભવાય છે તો આ બીમારી નથી, પરંતુ મગજમાં ચાલતા વિચાર તમને તાત્કાલિક ‘બીમાર' બનાવી દે છે.
આવા લક્ષણોને ‘નોકેબો ઈફેક્ટ’ કહે છે, જે કોઈ પરિસ્થિતિની અસર અંગે વધુ વિચારવા અથવા આજુબાજુના વાતાવરણને કારણે શરીરમાં આવાં લક્ષણ પેદા કરે છે. કોરોના મહામારી દરમિયાન આવું વધુ જોવા મળ્યું હતું, જેમને વધુ એંગ્ઝાયટી હોય અથવા નકારાત્મક વિચારો ધરાવતા હોય તેમને આની અસર વધુ જોવા મળે છે. આ સમસ્યાનો ઈલાજ જરૂરી છે, નહિતર તંદુરસ્તીને નુકસાન થઈ શકે છે. નવા લક્ષણો પણ પેદા થઈ શકે છે. એવા લક્ષણો પણ જોવા મળી શકે છે જે દવા લેવાથી થતાં જ ન હોય.
પૂરતી માહિતી પણ નોકેબો ઇફેક્ટથી બચાવવામાં મદદરૂપ
વાઈરસના લક્ષણ 2થી 14 દિવસમાં દેખાય છે
કોઈ સ્થાને કે લોકો વચ્ચે જતાં જ બીમાર હોવાનો અહેસાસ થતો હોય તો યાદ રાખો કે કોઈ પણ પ્રકારના વાઈરસ વગેરેના સંપર્કમાં આવ્યા બાદ લક્ષણ દેખાવામાં 2થી 14 દિવસનો સમય લાગે છે. શરીરમાં દેખાતા લક્ષણો અંગે તર્કપૂર્ણ સવાલો કરો. જે નકારાત્મક વિચારોમાં ફસાતા બચાવશે.
નકારાત્મક વિચારોને ઓળખો
આ પ્રકારના વિચારોને ઓળખવા બચાવની સૌથી સારી રીત છે. નકારાત્મક વિચાર પણ દવાઓની અસરને ઘટાડી શકે છે. તેમના વિશે જાણવું પણ નોકેબો ઈફેક્ટથી બચાવે છે. જ્યારે આ પ્રકારના વિચારોને જાણવા લાગીએ છીએ તો તેના અંગે સાવચેત રહેવા લાગીએ છે.
પહેલાથી જ કોઈ પ્રકારની માન્યતા ન બનાવો
દવા લેતા સમયે અથવા સારવારના સમયે દવાની આડઅસરો અંગે વિચારતા નથી તો નોકેબો ઈફેક્ટની અસર થતી નથી. જો તમે કોઈ ડોક્ટરને ત્યાં રાહ જોઈ રહ્યા છો તો ટ્રીટમેન્ટ અંગે વિચારવાને બદલે મનપસંદ સંગીત સાંભળો. વિચારોના ડિસ્ટ્રેક્શનમાં ઘણી મદદ કરે છે.
ખોટી માહિતીથી બચો, તે નુકસાનકારક
મીડિયા કવરેજ, ગુગલ અને માહિતીનાં વિવિધ સ્રોતને કારણે આપણે અનેક પ્રકારની માન્યતાઓ બનાવી લઈએ છીએ, જ્યારે હકીકત એ છે કે અનેક માહિતીની સચ્ચાઈ અંગે કોઈ પુરાવા હોતા નથી, પરંતુ માન્યતા બનતાં જ તેની અસર થવા લાગે છે. આથી સારવારની સાચી માહિતી વિશેષજ્ઞ પાસેથી જ મેળવો.
આ બે ઉદાહરણ પરથી સમજો કે પૂર્વગ્રહ કઇ રીતે તમારા પર અસર કરે છે
• વેક્સિન વગર જ થાક, માથાનો દુઃખાવોઃ યુરોપમાં કરાયેલા એક તબીબી અભ્યાસમાં જોવા મળ્યું હતું કે, લગભગ 29 ટકા લોકો જેમને કોવિડ વેક્સિનેશનનું કહીને ખાલી ઈન્જેક્શન અપાયું તો પણ તેમને શરીરમાં થાકના લક્ષણ જોવા મળ્યા. જ્યારે 27 ટકાએ તો માથાના દુઃખાવાની પણ ફરિયાદ કરી હતી!
• દવા વગર જ તેની નેગેટિવ ઈફેક્ટ જોવા મળીઃ બ્રિટનમાં એક અભ્યાસમાં 200 લોકોને એક પ્રતિષ્ઠિત કંપનીની દવા જણાવીને નિષ્ક્રિય ગોળી અપાઈ. આ પછી વિજ્ઞાનીઓએ લોકો પર દવાની આડઅસરની તપાસ કરી તો 47 ટકા લોકોમાં આડઅસર જોવા મળી, જ્યારે કે દવામાં કોઈ એક્ટિવ કમ્પાઉન્ડ જ ન હતું.