લંડનઃ સમગ્ર યુકેમાં ‘સુપર કોલ્ડ’ અથવા સુપર ફ્લુ વાઈરસનો વાયરો ફેલાયો છે અને લાકો બ્રિટિશરો તેના ચેપનો શિકાર બની રહ્યા છે. કોવિડ મહામારી પછી લોકો હવે વાઈરસ સાથે સામાન્ય જીવવાનું શીખી રહ્યા છે અને દેશ ખુલી ગયો છે ત્યારે લોકોનો રુબરુ સંપર્ક વધવાથી અન્ય બીમારીઓએ પણ માથું ઉચક્યું છે. ‘સુપર કોલ્ડ’ સહિત વિવિધ બીમારીના કેસીસની સંખ્યા વધી રહી છે.
‘સુપર કોલ્ડ’ શબ્દ 2021માં શરૂ કરાયો છે અને કોવિડ હજુ ગયો નથી તે રીતે આ વાયરસ પણ આપણી વચ્ચેથી નાબૂદ થયો નથી.
આ ઉપરાંત, નોરોવાઈરસના કેસીસ પણ વધી રહ્યા છે. UKHSAના ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ પેથોજન્સ અને ફૂડ સેફ્ટી ડાયરેક્ટોરેટના પ્રોફેસર સાહીર ઘરબીઆ કહે છે કે સામાન્યપણે શિયાળામાં ઉલ્ટીના વાઈરસ તરીકે ઓળખાતાં નોરોવાઈરસનું પ્રમાણ મહામારીના ગાળામાં સામાન્ય કરતાં પણ નીચું હતું પરંતુ, લોકોમાં મેળમિલાપ વધવાના કારણે હવે કેસીસ વધી રહ્યા છે.
નોરોવાઈરસના લક્ષણોમાં ઉબકાં, ઉલ્ટી, ડાયેરીઆ તેમજ ભારે તાવ, પેટમાં દુઃખાવો અને અંગોમાં કળતરનો સમાવેશ થાય છે. આ લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવા, કામ પર નહિ જવા કે બાળકોને નર્સરી કે સ્કૂલમાં નહિ મોકલવા તેમજ લક્ષણોનાં અંત પછી પણ ૪૮ કલાક સાચવવાની સલાહ અપાઈ છે.
નિષ્ણાતોનું કહેવું છે કે નોરોવાઈરસના લક્ષણો જણાય તો ડીહાઈડ્રેશનને ટાળવાં પાણી વધુ પ્રમાણમાં પીવું જોઈએ. આ વાઈરસનો ફેલાવો અટકાવવા હાથ ધોવાથી મદદ મળે છે પરંતુ કોવિડ-19થી વિપરીત, આલ્કોહોલ હેન્ડ સેનિટાઈઝર્સ નોરોવાઈરસને ખતમ કરતા નથી. આથી, સાબુ અને પાણીનો ઉપયોગ જ મુખ્ય છે.
યુકે સરકારના સત્તાવાર આંકડા મુજબ ગત સપ્તાહમાં કોવિડ સાથે હોસ્પિટલમાં દાખલ પેશન્ટ્સની સંખ્યામાં 11.6 ટકાનો એટલે કે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં 1,659 લોકોનો વધારો જણાયો હતો.