નવી દિલ્હી: જર્મનીની લ્યુબેક યુનિવર્સિટીમાં હાલમાં કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ખરાબ ડીએનએને કારણે થતી બીમારીને ભારતીય આહાર માત આપી શકે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બીમારીનું મુખ્ય કારણ ગણાતા ડીએનએમાં માત્ર તેના ઘટક કોષો જ નહીં, બલકે આહાર પણ વિશેષ સ્થાન ધરાવે છે. આપણો ખોરાક બીમારી પણ પેદા કરી શકે છે અને બીમારી પર લગામ પણ લાદી શકે છે.
યુનિવર્સિટીના પ્રોફેસર રોલ્ફ લુડવિજના નેતૃત્વમાં ત્રણ વિજ્ઞાનીઓ દ્વારા કરાયેલું સંશોધન તાજેતરમાં પ્રસિદ્ધ થયું છે. આ ત્રણ સંશોધકોમાં રશિયાના ડો. અર્તેમ વોરોવયેવ, ઇઝરાયેલની ડો. તાન્યા શેજિન અને ભારતના ડો. યાસ્કા ગુપ્તાનો સમાવેશ થાય છે. ઉંદર પર બે વર્ષ સુધી કરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમી દેશોના હાઇ કેલેરી આહાર આનુવંશિક ગણાતી બીમારીને વધારે છે. જ્યારે ભારતનો લો કેલેરી આહાર રોગોથી બચાવે છે.
ફાસ્ટ ફૂડ આનુવંશિક રોગોને વધારે છે
ડો. યાસ્કા ગુપ્તાએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તમામ આનુવંશિક રોગોને માત્ર ડીએનએની નજરે જ જોવાતા હતા, પરંતુ આ સંશોધનમાં આહાર પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરીને તેને મહત્ત્વ તારવવામાં આવ્યું છે. સંશોધકોએ ઉંદરના એક એવા જૂથ પર પ્રયોગ કર્યો હતો કે જે લ્યૂપસ નામના રોગથી પીડાતા હતા. લ્યુપસ રોગનો સીધો સંબંધ ડીએનએ સાથે છે. તેનાથી શરીરની રોગપ્રતિકારકશક્તિ ઘટે છે અને વિભિન્ન અંગ તથા સાંધા, કિડની, હૃદય, ફેફસાં, મગજ અને બ્લડ સેલને નષ્ટ કરે છે.
ડો. ગુપ્તાએ કહ્યું કે આ સંશોધનના પરિણામો જણાવે છે કે પશ્ચિમી દેશોમાં આહારમાં લેવાતા પિઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ આનુવંશિક રોગોને વધારવામાં મદદ કરે છે જ્યારે ભારતનો શાકાહારી આહાર - સ્ટાર્ચ, સોયાબિન તેલ, દાળ-ભાત, શાકભાજી ખાસ કરીને હળદરનો ઉપયોગ આ રોગોથી શરીરનું રક્ષણ કરે છે.
અભ્યાસ દરમિયાન ઉંદરના બે જૂથમાંથી એકને વધુ સુક્રોઝવાળો આહાર અપાયો હતો, જે પશ્ચિમી દેશોમાં લેવામાં આવે છે. જ્યારે બીજા સમૂહને લો કેલેરીવાળો આહાર આપવામાં આવ્યો હતો, જે ભારતીય ભોજન પરંપરામાં વિશેષ સ્થાન ધરાવે છે. પ્રથમ સમૂહના ઉંદર લ્યૂપસ રોગના ઝપેટમાં આવી ગયા હતા અને તેમની હાલત ગંભીર થઈ ગઈ જ્યારે બીજા જૂથના ઉંદર કે જેમને લો કેલેરી આહાર અપાયો હતો તેઓ લ્યૂપસ રોગમાંથી બચી ગયા હતા.