લંડનઃ પશ્ચિમી જગતમાં બ્રિટિશ બાળકો અને ટીનેજર્સ આરોગ્યની સૌથી ખરાબ અવસ્થામાં આવે છે. આનું કારણ સ્થૂળતા અને કસરતના અભાવનાં ઊંચા પ્રમાણમાં રહ્યું છે. ૧૫-૧૯ વયજૂથનાં બ્રિટિશ તરુણો યુરોપમાં સ્થૂળતાનું સૌથી ઊંચુ અને વિકસિત દેશોમાં પાંચમા ક્રમનું પ્રમાણ ધરાવે છે. સ્થૂળતાના મુદ્દે યુએસએ, ન્યૂ ઝીલેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જ યુકેથી આગળ રહ્યાં છે. સંશોધકોએ યુકેના યુવાન લોકોની સરખામણી વિશ્વના ૧૮ દેશના યુવાનો સાથે કરી હતી.
ન્યુફિલ્ડ ટ્રસ્ટ થિન્કટેન્ક અને એસોસિયેશન ફોર યંગ પીપલ્સ હેલ્થના એક મહત્ત્વપૂર્ણ અભ્યાસ અનુસાર મેદસ્વિતા, કસરતનો અભાવ અને ઊંડા સામાજિક વિભાજનના કારણે ૧૮થી ૧૯ વયના બ્રિટિશ યુવાનો લાંબી બીમારીમાં સપડાવાનું જોખમ વધુ છે. સંશોધકોએ યુકેના યુવાન લોકોની ૧૮ દેશના યુવાનો સાથે સરખામણી કરી હતી. યુરોપના ઈટાલી, ફ્રાન્સ, બેલ્જિયમ, સ્પેન, ગ્રીસ અને જર્મની સહિત ૧૪ યુરોપીય દેશોમાં ૧૫-૧૯ વયજૂથનાં સૌથી વધુ આઠ ટકા બ્રિટિશ તરુણો સ્થૂળતા ધરાવતા હતા. યુકેથી વધુ સ્થૂળતા ધરાવતા યુવાનો યુએસએ (૧૩ ટકા), ન્યૂ ઝીલેન્ડ (૯ ટકા), કેનેડા (૯ ટકા) અને ઓસ્ટ્રેલિયા (૮.૫ ટકા)ના હતા.
યુકેમાં આ સમસ્યા વહેલી શરૂ થાય છે. કસરતના પ્રમાણમાં યુકેના ૧૧ વર્ષનાં બાળકો વિશ્વમાં છેલ્લેથી બીજા ક્રમે આવે છે અને પોર્ટુગલ છેલ્લાં ક્રમે છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૧ વર્ષના બાળકોમાં ૫૧ ટકા તેમજ સ્કોટલેન્ડમાં ૬૭ ટકા છોકરા સપ્તાહમાં બે કે તેથી વધુ કલાક સખત શારીરિક કસરત પાછળ ગાળે છે. બીજી તરફ, આ જ વયની છોકરીઓમાં ઈંગ્લેન્ડની ૩૮ ટકા, વેલ્સની ૩૭ ટકા અને સ્કોટલેન્ડની ૬૦ ટકા છોકરી સપ્તાહમાં બે કલાકની શારીરિક કસરત કરે છે.
ઓબેસિટી એટલે શું, તેના આરોગ્ય જોખમો કેટલાં?
કોઈ વ્યક્તિનો બોડી માસ ઈન્ડેક્સ (BMI) ૩૦ કે તેથી વધુ હોય ત્યારે તે સ્થૂળતાનો શિકાર કહેવાય છે. તંદુરસ્ત વ્યક્તિનો BMI ૧૮.૫થી ૨૪.૯ની વચ્ચે હોય છે. યુકેમાં ૫૮ ટકા સ્ત્રી અને ૬૮ ટકા પુરુષો મેદસ્વી કે સ્થૂળ છે. આના પરિણામે NHS ને દર વર્ષે તેના ૧૨૪.૭ બિલિયન પાઉન્ડના કુલ બજેટમાંથી ૬ બિલિયન પાઉન્ડનો ખર્ચ સ્થૂળતાની હાલત પાઠળ કરવો પડે છે. સ્થૂળતાના કારણે ટાઈપ-ટુ ડાયાબિટીસ જેવી જીવને જોખમરુપ બીમારી થાય છે જેના કારણે કિડનીના રોગો, અંધાપો અને અવયવ કાપવાની હાલત પણ સર્જાય છે. સંશોધન અનુસાર યુકેની હોસ્પિટલોમાં છ બેડમાંથી ઓછામાં ઓછી એક બેડ ડાયાબિટીસના પેશન્ટ દ્વારા લેવાય છે.
સ્થૂળતાના કારણે હૃદયરોગોનું જોખમ પણ વધે છે, જેના કારણે યુકેમાં દર વર્ષે ૩૧૫,૦૦૦ લોકોનાં મોત થાય છે. વધુપડતાં વજનના લીધે ૧૨ પ્રકારના કેન્સર થવાનું પણ જોખમ રહે છે. બાળકોની સ્થૂળતા સંબંધે સંશોધન કહે છે કે ૭૦ ટકા સ્થૂળ બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર અથવા ઊંચા કોલેસ્ટરોલની સમસ્યા સર્જાય છે, જેનાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે. તેઓ પુખ્ત વયે પહોંચે ત્યારે પણ સ્થૂળ રહેવાનું જોખમ વધે છે.