હૃદય, રક્ત અને રક્તવાહિની (બ્લડ વેસલ્સ) થકી બને છે શરીરની કાર્ડિયોવાસ્ક્યુલર. પણ આ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ છે શું? કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ એટલે હૃદયને ચલાવતી પ્રણાલી. આ પ્રણાલી સાથે જોડાયેલા જુદા-જુદા રિસ્ક ફેક્ટર્સને કાર્ડિયો મેટાબોલિક હેલ્થ એટલે કે હૃદયનું મેટાબોલિઝમ કહે છે. આદર્શ કાર્ડિયો મેટાબોલિક હેલ્થ માટે પાંચ બાબતો દ્વારા હૃદયની તંદુરસ્તીને ચકાસી શકાય છે. આ છે - બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, બ્લડ શુગર, બીએમઆઈ (બોડી માસ ઇન્ડેક્સ) અને કમરનો ઘેરાવો આદર્શ સ્થિતિમાં હોવા જોઈએ. આ ઉપરાંત જો પહેલાથી જ હૃદય સંબંધિત કોઈ વિકાર જેમ કે હાર્ટ એટેક અને સ્ટ્રોકની ફરિયાદ નથી તો આવા વ્યક્તિની કાર્ડિયો મેટાબોલિક હેલ્થ 100 ટકા મનાશે. હૃદયની તંદુરસ્તીને પ્રભાવિત કરતા બે સૌથી મોટા કારણ વધુ વજન અને વધેલું બ્લડ શુગર છે. આપણે ભારતની વાત કરીએ તો, આરોગ્ય મંત્રાલયના 2021ના રિપોર્ટ અનુસાર, 45 વર્ષ અને તેનાથી વધુ વયના અડધા ભારતીયોના બોડી માસ ઈન્ડેક્સમાં ગરબડ છે. કાર્ડિયો મેટાબોલિક હેલ્થને યોગ્ય રાખવાની રીત જાણીએ...
તંદુરસ્ત હૃદય માટે આટલું અવશ્ય ધ્યાનમાં રાખો
• હૃદય સંબંધિત રોગની ભૂતકાળમાં ફરિયાદ ન હોયઃ જો ભૂતકાળમાં તમને ક્યારેય હાર્ટ એટેક આવ્યો નથી કે સ્ટ્રોકની ફરિયાદ નથી અને આ સાથે જણાવેલા ચાર ફેક્ટર્સ આદર્શ સ્થિતિમાં છે તો તમારી કાર્ડિયો મેટાબોલિક હેલ્થ 100 ટકા છે.
• આદર્શ બીએમઆઈ અને કમર: જો બીએમઆઈ 30 કરતાં વધુ છે તો તમે સ્થૂળ છો. આ જ રીતે કમરનો આકાર વ્યક્તિની લંબાઈનો અડધો કે તેનાથી ઓછો હોવો જોઈએ. જેમ કે, તમારી લંબાઈ જો 72 ઈંચ (6 ફૂટ) છે તો કમર 36 ઈંચ કે તેનાથી ઓછી હોવી જોઈએ. જો બીએમઆઈ 18.5થી 25ની વચ્ચે છે તો વજન સંતુલિત છે. જો બીએમઆઈ 18.5થી ઓછો છે તો અંડરવેઈટ અને 25-29.0ની વચ્ચે છે તો ઓવરવેઈટની શ્રેણીમાં છો.
જો તમારું વજન નિયત પ્રમાણ કરતાં વધુ હોય તો તેને આ રીતે નિયંત્રિત રાખી શકો છો. સપ્તાહમાં 5 દિવસ એરોબિક કસરત કરો. બ્રિસ્ક વોક, રનિંગ ઉપરાંત બે દિવસ રેઝિસ્ટન્સ ટ્રેનિંગથી બેલીફેટ અને બોડીફેટ ઓછું થાય છે. કોલેસ્ટ્રોલ વસાનો એક પ્રકાર છે, જેને લિપોપ્રોટીન કહે છે. તેના બે પ્રકાર છે - લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે એલડીએલ અને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે એચડીએલ. 19 વર્ષની વયમાં ટોટલ કોલેસ્ટ્રોલ 170થી ઓછું, નોન-એચડીએલ 120થી ઓછું, એલડીએલ 110થી નીચે અને એચડીએલ 45થી વધુ હોવું જોઈએ. જ્યારે 20 વર્ષથી વધુ વય ટોટલ કોલેસ્ટ્રોલ 125-200, નોન-એચડીએલ 120થી ઓછું, એલડીએલ 100થી ઓછું હોવું જોઇએ. જ્યારે એચડીએલ 60 કે તેનાથી વધુ હોય તે જોવું રહ્યું.
જો તમારું કોલેસ્ટ્રોલ નિયત માત્રા કરતાં વધુ છે તો તેને નિયંત્રણમાં લાવવું જરૂરી છે. ડાયેટ, કસરત અને લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરીને તમે કોલેસ્ટ્રોલ લેવલ સુધારી શકો છો.
• નોર્મલ બ્લડ શુગરઃ ક્લીવલેન્ડ ક્લિનિકના અનુસાર જો ફાસ્ટિંગ બ્લડ શુગર લેવલ 100થી ઓછું હોય તો તે સામાન્ય છે. જો ફાસ્ટિંગ બ્લડ શુગરનું સ્તર 110થી 125 છે તો તેને પ્રિ-ડાયાબિટિક મનાશે. આ જ રીતે ફાસ્ટિંગના બે રીડિંગ જો 126થી વધુ છે તો તે ટાઈપ-2 ડાયાબિટિસ હોવાની સંભાવના છે.
જો તમારું બ્લડ શુગર વધુ હોય તો તમે તેને આ રીતે નિયંત્રિત કરો. લો કેલરી ડાયટ અને દરરોજ કસરતથી 400 કેલરી બર્ન કરીને તમે વધેલા ડાયાબિટીસને સામાન્ય સ્થિતિમાં લાવી શકો છો. આ માટે 30 મિનિટ રનિંગ કે 30 મિનિટ રોપ જમ્પ, લગભગ 40 મિનિટ ટેનિસ વગેરે રમી શકો છો.
• નોર્મલ બ્લડ પ્રેશરઃ હૃદય જ્યારે લોહીને પમ્પ કરે છે તો રક્તવાહિનીની દીવાલો પર દબાણ બને છે, જેના કારણે લોહી શરીરના તમામ અંગો અને ટિશ્યૂમાં પહોંચે છે. લોહીના આ દબાણને જ બ્લડ પ્રેશર કહે છે. આદર્શ રીતે એક વ્યક્તિનું બ્લડ પ્રેશર 120/80 હોવું જોઈએ. જેમાં 120 મહત્તમ અને 80 લઘુત્તમ છે.
જો તમારું બ્લડ પ્રેશર હાઇ રહેતું હોય તો તમે તેને આ રીતે નિયંત્રિત કરી શકો છો. ભોજનમાં ફળ, શાકભાજી, આખું અનાજ અને લો ફેટ ડેરી પ્રોડક્ટને સામેલ કરો. સેચ્યુરેટેડ ફેટ જેમ કે તેલ વગેરેનું પ્રમાણ ઘટાડીને તમે 11 પોઈન્ટ સુધી બ્લડ પ્રેશર ઘટાડી શકો છો. દિવસભરના ભોજનમાં નમક એક નાની ચમચીથી વધુ ન હોવું જોઈએ.