આપણી એક માન્યતા મુજબ વિટામિન સી માત્ર ખાટાં ફળોમાંથી મળે છે. આ માન્યતાનો ભાંગીને ભુક્કો કરતાં નિષ્ણાત ડાયેટિશ્યન જણાવે છે કે વિટામિન સીનો આમળાં પછીનો સેકન્ડ રિચેસ્ટ સોર્સ એટલે જામફળ. નારંગી કે સંતરાને વિટામિન સીનો સોર્સ માનવામાં આવે છે, પરંતુ એના કરતાં જામફળમાંથી ઘણા વધારે પ્રમાણમાં વિટામિન સી મળે છે. વિટામિન સી આયર્નના એબ્સોર્બપ્શન માટે મહત્વનું ઘટક છે. વળી, જામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાને કારણે એનાથી સ્કિનને ઘણો ફાયદો થાય છે. જામફળ ખાવાથી સ્કિન સારી બને છે. એના પર ચમક આવે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન પછી, એ વાઇરલ હોય કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, એની સામે લડવામાં એ મદદરૂપ થાય છે.
સેંકડો સોલ્યુબલ ફાઇબર્સ
ન્યુટ્રિશનલી ખૂબ રિચ ગણાતાં જામફળમાં સોલ્યુબલ ફાઇબર્સ પણ ભરપૂર માત્રામાં મળે છે. આ ફાઇબર્સની ખાસિયત જણાવતાં ડાયેટિશ્યન્સ કહે છે કે આ સોલ્યુબલ ફાઇબર્સને કારણે શુગર, કોલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ ઘટે છે. વળી, એનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો છે, અર્થાત્ એમાંથી મળતા ગ્લુકોઝ એટલે કે શર્કરાનું પ્રમાણ ઘણું ઓછું છે. વળી, આ સોલ્યુબલ ફાઇબર્સ એસિડિટી અને સ્ટમક ઇન્ફેક્શન સામે લડવામાં ખૂબ મદદરૂપ થાય છે. તો જામફળ ખાવાથી પેટમાં થોડોક ભાર પણ રહે છે, માટે એને વેઇટ-લોસ પ્લાનમાં પણ સામેલ કરી શકાય છે. આથી ન્યુટ્રિશન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને જલદી ભૂખ લાગતી નથી.
ડાયેરિયા અને કોન્સ્ટિપેશન
મોટા ભાગે ડાયેરિયામાં જે પદાર્થ ઉપયોગી હોય એ કોન્સ્ટિપેશનમાં હોતો નથી. આ બન્ને અલગ-અલગ પ્રકારના પ્રોબ્લેમ છે. કહો કે એકદમ વિરોધાભાસી શારીરિક સમસ્યા છે, પરંતુ જામફળ આ બન્ને પ્રોબ્લેમનું સોલ્યુશન છે. ડાયેટિશ્યન્સ કહે છે કે ડાયેરિયા થયો હોય ત્યારે જામફળને ઉકાળી, ક્રશ કરી અને ગાળીને પીવાથી ડાયેરિયામાં ઘણી રાહત રહે છે. સાથે-સાથે જ જામફળમાં સોલ્યુબલ ફાઇબર્સ હોવાથી એ કોન્સ્ટિપેશનની તકલીફના નિવારણમાં પણ ઉપયોગી છે.
આયુર્વેદિક નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં જામફળ પર નમક છાંટીને ખાવાની સલાહ આપવામાં આવે છે. જામફળને આ રીતે ખાવાથી પેટ સાફ આવે છે માટે જ એ ફિશર અને ભગંદરના દરદીઓ માટે તેની ભલામણ કરવામાં આવે છે.
કફ-પિત્ત-વાતનું શમન
સામાન્ય રીતે એક એવી પણ માન્યતા છે કે જામફળ ખાવાથી શરદી થઈ જાય. આ માન્યતાને નકારતાં આયુર્વેદિક નિષ્ણાત કહે છે, જામફળ ખાવાથી કફ વધે છે એ ખોટી માન્યતા છે. ફ્રિજમાં રાખેલું જામફળ ખાવાથી કદાચ શરદી થવાની શક્યતા રહે છે, પણ એની પાછળ જામફળનો નહીં, ફ્રિજનો દોષ છે. ઊલટું, જામફળથી કફ, પિત્ત અને વાત ત્રણેય દોષોનું શમન થાય છે. આમ, આ ત્રણેય દોષોથી થતા બધા જ પ્રોબ્લેમ્સમાં જામફળ ઇલાજની ભૂમિકા ભજવે છે. જામફળથી ત્રિદોષ - કફ, પિત્ત અને વાતનું બેલેન્સ જળવાઈ રહે છે.
દાંત મજબૂત થાય?
જામફળ સાથેની એક માન્યતા એ છે કે એ ખાવાથી દાંત મજબૂત થાય. આ વિશે આયુર્વેદ શાસ્ત્રના જાણકારો કહે છે કે લોકો કઠણ જામફળ ખાઈને માને છે કે એ ચાવવાથી દાંતની કસરત થાય અને દાંત મજબૂત થાય, પણ એ ભૂલભરેલી માન્યતા છે. કોઈ પણ બીજો ખોરાક ચાવવાથી દાંતને જેટલી કસરત મળે એટલી જ જામફળ ચાવવાથી મળે. એટલે જામફળ ચાવવાથી દાંત મજબૂત થશે એવું નથી.
આ જ મુદ્દે વાત કરતાં ડાયેટિશ્યન કહે છે કે જામફળમાં રહેલું વિટામિન સી પેઢાં માટે ખૂબ ગુણકારી છે. આથી કદાચ એવી માન્યતા પડી હશે કે જામફળ ખાવાથી દાંત મજબૂત થાય, પણ એનો જામફળ ચાવવા જોડે કોઈ સંબંધ નથી.
કેવાં જામફળ સારાં?
બજારમાં બે પ્રકારનાં જામફળ મળતા હોય છે - કઠણ અને પોચાં તેમજ સફેદ અને લાલ. આયુર્વેદિક નિષ્ણાતોનું કહેવું છે કે જામફળ કાચું હોય ત્યારે કઠણ હોય છે, જે પચવામાં ભારે પડે છે. વળી એનાથી ગેસ થવાની શક્યતા પણ રહે છે. પાકાં અને નરમ જામફળ ખાવાં વધુ ગુણકારી છે.
લાલ અને સફેદ જામફળમાં લાલ જામફળ વધુ ગુણકારી છે, એમ જણાવતાં ડાયેટિશ્યન કહે છે કે લાલ જામફળમાં ફાઇટો-ન્યુટ્રિયન્સ હોય છે, જે મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે. વળી, મૂડ-સ્વિંગ અને અમુક પ્રકારના ડિપ્રેશનને એ કાબૂમાં રાખે છે, પરંતુ લાલ જામફળ કુદરતી હોય એ વધુ યોગ્ય છે. હાઇબ્રીડ રીતે પકવેલાં જામફળ વધુ નુકસાનકારક હોય છે. આ ઉપરાંત બજારમાં મળતાં પ્રિઝર્વેટિવ વાળા પેક્ડ જ્યુસ કરતાં ઘરે બનાવેલો જામફળનો જ્યુસ વધારે ગુણકારી છે.
ડાયેટિશ્યન કહે છે કે જામફળને ટુકડા કરીને નહીં, આખેઆખું જ ખાવું જોઈએ. તો જ એની ન્યુટ્રિશન વેલ્યુ વધે છે. આ ઉપરાંત જ્યારે જામફળનું શાક બનાવવામાં આવે છે ત્યારે એને પકવતી વખતે એમાંથી વિટામિન સી બળી જાય છે. આથી જો જામફળનો પૂરો લાભ મેળવવો હોય તો એને કાચું ખાવું જરૂરી છે.