નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનના રાજદ્વારી સંબંધોમાં ભલે તંગદિલી પ્રવર્તતી હોય, પણ લોકોના દિલ લાગણીથી જોડાયેલા છે. પાકિસ્તાનના કરાચીની રહેવાસી 19 વર્ષની યુવતી આયશા રશન હૃદયની ગંભીર બીમારીથી પીડાતી હતી. તેણે પાકિસ્તાનની અનેક હોસ્પિટલમાં દેખાડયું તો ત્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સલાહ અપાઇ હતી. જોકે આ માટે થતાં જંગી ખર્ચ તથા સારવાર માટેની પર્યાપ્ત સુવિધાના અભાવે તેની સારવાર થઇ શકતી નહોતી. તેણે ભારત ભણી આશાભરી નજર દોડાવી. તેને ભારતના મેડિકલ વિઝા મળી ગયાં, એટલું જ નહીં, તેને મફત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી આપીને નવજીવન બક્ષવામાં આવ્યું છે. આયશા ચેન્નાઈમાં પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ સારવાર બાદ હવે શરીરમાં ભારતીય દિલ લઈને પાકિસ્તાન પરત જશે.
ડોકટરોના જણાવ્યા અનુસાર આયશાના હાર્ટનો વાલ્વ લીકેજ હોવાથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અનિવાર્ય હતું. તેના માટે એવા ડોનરની જરૂર હતી જે હવે આ દુનિયામાં ના હોય પણ તેનું હાર્ટ યોગ્ય રીતે કાર્યરત હોય. આયશા માતા સાથે ચેન્નાઇ પહોંચી હતી જ્યાં તેને એમજીએમ હેલ્થકેરમાં ભરતી કરાઇ હતી. ત્યાં સુધીમાં તેનું હાર્ટ ફેલ થઈ જતાં ECMOમાં રખાઇ હતી. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના મામલે આયશા નસીબદાર હતી. દિલ્હીમાં મૃત્યુ પામેલા 69 વર્ષના બ્રેન ડેડ ડોનરનું હાર્ટ મળી ગયું જેને પ્લેન મારફત ચેન્નાઇ પહોંચાડાયું અને પછી તરત જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાયું હતું.
ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની આ સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછા રૂ. 35 લાખનો ખર્ચ થાય છે. આવા ભારે ખર્ચના જ કારણે ડોનર મળી આવવા છતાં પણ કેટલાક લોકો ઇલાજ કરાવી શકતા નથી. જોકે આયશાને ફક્ત હાર્ટ જ ના મળ્યું પણ સાથે ઓપરેશનનો પુરો ખર્ચ પણ ડોક્ટરો અને ટ્રસ્ટે ઉઠાવ્યો હતો.