તમારા સુંદર દેખાતાં દાંતનાં મૂળિયા અંદરથી ઢીલાં પડી ગયાં હોય ને પેઢાંમાં દુખાવો થતો હોય તો ચેતજો; કારણ કે તમને પાયોરિયા નામનો પેઢાંનો ગંભીર રોગ હોઈ શકે છે. આજકાલ યુવાવર્ગમાં વિશેષ જોવા મળતા આ રોગમાં દુખાવા વિના અચાનક દાંત પડી જાય છે.
• સવારે ઊઠતી વખતે મોંમાં વાસ આવે છે?
• શું વોશબેઝિનમાં થૂંકો ત્યારે થૂંક સાથે લોહી જોવા મળે છે?
• બ્રશ કરતી વખતે બ્રશ પર લોહી જોવા મળે છે?
• દાંત જોરથી ભીડવાથી પેઢાંમાંથી લોહી નીકળે છે?
• અવાળાં ફૂલી ગયાં છે, પણ દુખાવો ખાસ વર્તાતો નથી?
• જરાય ન દુખતો દાંત અચાનક જ ચાવતી વખતે પડી જાય છે?
આ બધાં લક્ષણો છે પાયોરિયાનાં. એ પેઢાનો એક ખૂબ જ કોમન રોગ છે. ડેન્ટલ હેલ્થ-કેર માટે ખૂબ અવેરનેસ આવી હોવા છતાં આજેય નાની ઉંમરે લોકોમાં પાયોરિયા જોવા મળે છે. નાની ઉંમરે બે-ચાર દાંતોનું ચોકઠું બેસાડવું પડે એવી નોબત આ પેઢાના રોગને કારણે જ આવે છે. પહેલાં મોટી ઉંમરે જ પાયોરિયા જોવા મળતો હતો, પણ હવે તો ૧૮થી ૩૫ વર્ષની યુવા પેઢીમાં પણ પાયોરિયાની તકલીફ જોવા મળે છે. પાયોરિયાનું સૌથી ખરાબ લક્ષણ એ છે કે એમાં પીડા થયા વિના દાંત પડી જાય છે.
પાયોરિયા શું છે?
મોંમાં ખરાબ બેક્ટેરિયાના વધતા જતા ગ્રોથને કારણે આ થાય છે. આપણા મોમાં સતત હાર્મફુલ બેક્ટેરિયા બનતા જ રહે છે. મોંમાં સતત બનતી ચોખ્ખી લાળ એ બેક્ટેરિયાને હટાવવાનું કામ કરે છે. જોકે જ્યારે ખોરાક દાંતમાં ભરાઈ રહ્યો હોય ત્યારે ખોરાકના કણોમાં બેક્ટેરિયાનો વિકાસ થાય છે અને ખોરાક સડે છે. લાળથી એ સડાની સફાઈ નથી થતી. સડો પેઢાંમાં ઊતરે છે અને પેઢાં બગડે છે. ડેન્ટીસ્ટ કહે છે કે એક વાર બ્રશ કર્યા પછી છારી બાઝવાનું કાર્ય ચાર કલાકમાં જ શરૂ થઈ જાય છે. છારી અને બેક્ટેરિયા એ પાયોરિયા થવાનું મુખ્ય કારણ હોવાથી મોંની યોગ્ય સ્વચ્છતા રાખવાથી આ તકલીફને ટાળી શકાય છે.
આ થવાનું કારણ શું?
જમ્યા પછી યોગ્ય રીતે કોગળા કરીને દાંત સાફ કરવાની આદત ન હોય... દિવસમાં બે વાર બ્રશ કરીને દાંતના ગેપમાં ભરાયેલો કચરો બરાબર સાફ ન કરવામાં આવે... દાંત પર બાઝેલી છારી સાફ કરવામાં ન આવે તો એનાથી પેઢાંમાં સડો ઊંડો ઊતરે છે.
આ ઉપરાંત દાંત ખોતરવાની ખોટી આદત, બ્રશ કરવાની રીત યોગ્ય ન હોય અને ફ્લોસિંગ પણ કરવામાં ન આવતું હોય, પેઢાં પર ઇન્જરી થઈ હોય અને એમાં પાક થાય ત્યારે પેઢાના મૂળમાં સડો થાય છે. મેંદો, શુગર જેવો એસિડિક ખોરાક ખાવાથી આ સડો વકરતો હોય છે.
ટ્રીટમેન્ટ માટે શું કરવું?
દિવસમાં બે વાર બ્રશ કરવું. દર એકાંતરે દિવસે ફ્લોસિંગ કરવું. જોકે એક વાર ઇન્ફેક્શન લાગુ પડે તો માત્ર સફાઈથી સારું થઈ જતું નથી. દર છ મહિને ડીપ ક્લીનિંગ (રૂટ પ્લાનિંગ એન્ડ સ્કેલિંગ) કરાવવું જોઈએ. એમાં ડેન્ટિસ્ટ પેઢાંની અંદર તરફ જમા થયેલા પ્લાકને પણ ખોતરીને કાઢે છે અને એ થોડીક પેઇનફુલ પ્રોસિજર હોય છે. અને હા, સ્ટાર્ચવાળી ચીજો, ટિનપેક્ડ ફૂડ, જન્ક ફૂડ, કોફી, ટી અને આલ્કોહોલ લેવાનું બંધ કરવું.
જમરૂખ અથવા તો એનાં પાન ચાવવાં એ આ ડેન્ટલ પ્રોબ્લેમનો ઉપાય છે. કાચી પાલક, ગાજર, કેળાં અને લીંબુ પણ મદદરૂપ છે. પેઢાં પર (દાંત પર નહીં) લીંબુની છાલ અથવા રસ ઘસવાથી બ્લીડિંગમાં રાહત મળે છે.
પેઢાંને મજબૂત બનાવવા માટે કાળી અડદની દાળ, કોપરું, કાચાં ફળો અને શેરડીનો સાંઠો ચૂસો. આનાથી દાંતને યોગ્ય એક્સરસાઇઝ મળે છે.
કેટલાક આયુર્વેદિક ઉપાય
બ્રશને બદલે બાવળ અથવા લીમડાની ડાળી ચાવીને એનું દાતણ કરવું. ચાવવાને કારણે દાંતને એક્સરસાઇઝ મળે છે. દરેક ભોજન પછી પાંચ કોગળા અવશ્ય કરવા. રોજ રાતે સૂતી વખતે ઇરિમેદાદિ તેલ લઈને દાંત પર હળવે હાથે માલિશ કરવી. માલિશ કર્યા પછી દાંત પાણીથી ધોયા વિના જ સૂઈ જવું.
દરરોજ અથવા તો એકાંતરે તલનું તેલ સહેજ હૂંફાળું ગરમ કરીને (એક ચમચા જેટલું) મોંમાં ભરવું. પાંચથી દસ મિનિટ રાખવું અને પછી તેલ થૂંકી નાખવું. આ પછી પછી દાંત અને પેઢાં પર હળવી આંગળીએ માલિશ કરવી. તલનું તેલ દાંતનું કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન મટાડે છે અને પેઢાંને મજબૂત કરે છે.