વોશિંગ્ટનઃ એક સ્ટડી અનુસાર પરિવારનો વિખવાદ કે ખટરાગ લાંબે ગાળે વ્યક્તિના આરોગ્ય માટે અત્યંત જોખમી પુરવાર થાય છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના સંશોધકોએ ૨૮૦૨ લોકોનો બે દાયકા સુધી અભ્યાસ કર્યા બાદ આ તારણ રજૂ કર્યું છે. આ તમામને સર્વે દરમિયાન તેમના સંબંધો અને તેમના આરોગ્ય અંગે પૂછવામાં આવ્યું હતું. તમારા પરિવારના સભ્યો કેટલી વખત તમારી ટીકા કરે છે અને તમે તમારા પરિવારની મદદ ઉપર કેટલા નિર્ભર છો વગેરે સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તમારા સાથી તમારી સાથે કેટલી વખત દલીલ કરવા ઊતરી પડે છે એ ઉપરાંત તમારા સાથી તમને કેટલી વખત પ્રોત્સાહન આપે છે એવા સવાલો પણ પૂછાયા હતા. આ અભ્યાસના તારણ ચોંકાવનારા રહ્યાં છે. જે મુજબ નજીકના સંબંધોમાં તણાવથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે અને તે બગડે છે પણ ખરું, પરંતુ રોમેન્ટિક સંબંધોના બ્રેકઅપથી સ્વાસ્થ્ય પર અસર થતી હોવાનું જણાયું નહોતું. સંશોધન સાથે સંકળાયેલા ડો. વૂડ્સ કહે છે કે અમને એ જાણીને ખરેખર આશ્ચર્ય થયું છે કે પારિવારિક વિખવાદ - તણાવને આરોગ્યને સીધો સંબંધ છે, પરંતુ રોમાન્ટિક સંબંધો તૂટવાના કારણે આરોગ્ય પર ખાસ કોઇ વિપરિત અસર દેખાતી નથી. આનું કારણ કદાચ એ હોઇ શકે કે રોમેન્ટિક સંબંધોમાં બ્રેક અપ બાદ માનવી રોજબરોજની ઘરેડમાં આગળ વધતો રહેતો હોય છે, અને સમયના વહેવા સાથે નવી ઘટમાળમાં ગોઠવાઇ જાય છે.