એક સમયે વૃદ્ધોનો રોગ ગણાતો પાર્કિન્સન્સ યુવા પેઢીને પણ પ્રભાવિત કરી રહ્યો છે. પશ્ચિમી દેશોમાં આ રોગનું જોખમ 60 વર્ષની ઉંમર પછી વધી જાય છે તો ભારતમાં જોખમ 50 વર્ષની ઉમરથી શરૂ થાય છે. તાજેતરમાં, પાર્કિન્સન રિસર્ચ એલાયન્સ ઓફ ઈન્ડિયા અને જેનોમિક્સ કંપની મેડજેનોમે ભારતીય યુવાપેઢીમાં પાર્કિન્સન્સ સાથે સંકળાયેલા કેટલાક સામાન્ય અને દુર્લભ આનુવંશિક ફેરફારો શોધી કાઢ્યા છે, જેને યંગ ઓનસેટ પાર્કિન્સન્સ ડિસીઝ (YOPD) નામ અપાયું છે. 40 થી 50 વર્ષની ઉમરે પાર્કિન્સન રોગના લક્ષણો જોવા મળી શકે છે. સ્ત્રીઓ કરતાં પુરુષોમાં પાર્કિન્સન્સનું જોખમ 50 ટકા જેટલું વધારે હોય છે. આ રોગના લક્ષણો, તેની સમસ્યાઓ અને તેનાથી બચવાના ઉપાયો વિશે આજે જાણીએ...
મગજની નબળાઈને કારણે થાય છે પાર્કિન્સન્સ
પાર્કિન્સન્સ એક એવી સ્થિતિ છે જે મગજનો બેઝલ નબળો કરી શકે છે. ગેન્ગ્લિયા નબળો પડવા લાગે છે. બેઝલ ગેન્ગ્લિયા મુખ્યત્વે મગજની રચનાઓનું એકબીજા સાથે જોડાયેલું જૂથ છે. તે મુખ્યત્વે શરીરની હલનચલન ક્ષમતાને નિયંત્રિત કરે છે. આ ઉપરાંત, તે શીખવા, લાગણીઓની પ્રક્રિયા અને અન્ય ઘણા કાર્યોમાં પણ ભૂમિકા ભજવે છે. પીડિતને હલનચલન સિવાય ઊંઘ અને પીડા સહિતની માનસિક સમસ્યાઓ પણ થઈ શકે છે.
મુખ્ય ત્રણ પરિબળો જવાબદાર
પાર્કિન્સન રોગનું ચોક્કસ તો કારણ અજ્ઞાત છે, પરંતુ ઘણા પરિબળોની તેમાં ભૂમિકા જોવા મળે છે. જેમ કે...
• જનીનઃ સંશોધકોએ કેટલાક ચોક્કસ આનુવંશિક ફેરફારોની ઓળખ કરી છે જે પાર્કિન્સન રોગનું કારણ બની શકે છે.
• પર્યાવરણ: ઝેરી પદાર્થોનો સંપર્ક, વધુપડતો ફોર્ટિફાઇડ ખોરાક વગેરે કેટલાક પરિબળો પાર્કિન્સન્સના જોખમ તરફ દોરી શકે છે.
• વિશેષ પ્રોટીનઃ વિવિધ સંશોધનોએ પાર્કિન્સન્સથી પીડિત લોકોના મગજના કોષોમાં ચોક્કસ પ્રકારના પદાર્થોના ક્લસ્ટરો શોધી કાઢ્યા છે. તેમને લેવી બોડીઝ નામ અપાયું છે. તેમાં પ્રોટીનનો એક પ્રકાર હોય છે - આલ્ફા સિન્યુક્લીન, જે મગજના કોષોને તોડી શક્તા નથી. આ પ્રોટીનને પાર્કિન્સન્સ માટે પણ જવાબદાર મનાય છે.
મૂવમેન્ટ વગરનાં લક્ષણો
પાર્કિન્સન્સ ધરાવતા લોકોમાં ઘણાં લક્ષણો નિયંત્રણ કરવાની ક્ષમતા સાથે સંબંધિત છે. આ ક્ષમતામાં ઘટાડો થવાથી ગંધ, અનિયંત્રિત લાળ, કબજિયાત, પેટ સંબંધિત સમસ્યાઓ વગેરે થાય છે. ઊંઘ પર પણ અસર થાય છે. પીડિત વ્યક્તિ સૂતી વખતે પગને હલાવી દે છે, જેના કારણે ઊંઘમાં વારંવાર વિક્ષેપ પડે છે. કેટલાક લોકોમાં ચહેરાના હાવભાવ માસ્ક જેવા દેખાવા લાગે છે, જેમ કે ચહેરા પર ઉદાસી દેખાવી અથવા કૃત્રિમ સ્મિત.
મૂવમેન્ટ ધરાવતાં લક્ષણો
પાર્કિન્સન્સમાં શારીરિક હલનચલન ધીમી પડવા લાગે છે. હાથ અને પગની હિલચાલ ધીમી થવા લાગે છે. આ સ્થિતિને બ્રેડીકીનેશિયા કહે છે. પીડિતને લાગે છે કે, તેની માંસપેશીઓ નબળી પડી રહી છે, પરંતુ આ સ્થિતિ માનસિક નિયંત્રણના નબળા પડવાના કારણે થાય છે. લગભગ 80 ટકા દર્દીઓ આરામ દરમિયાન હાથ અને પગમાં ધ્રુજારી અનુભવે છે. હલનચલન અને શારીરિક જડતાના અભાવને કારણે વ્યક્તિની મુદ્રા બગડે છે. તે તેના પગ અહીં-તહીં મૂકે છે.
સૌથી મહત્ત્વપૂર્ણ બે ઉપાય
1) કસરતથી લોહીનો પ્રવાહ વધે છે
સંશોધનના તારણો દર્શાવે છે કે જ્યારે કસરતને કારણે બ્લડ હાર્ટ રેટ વધે છે, ત્યારે લોહીનો પ્રવાહ વધે છે. રક્તપ્રવાહમાં વધારો મગજની પેશીઓ માટે રક્ષણાત્મક મિકેનિઝમ બનાવવામાં મદદ કરે છે. જો પાર્કિન્સન્સથી પીડિત વ્યક્તિનું હૃદય મજબૂત અને ફિટ હોય, તો તેમના સ્નાયુઓ પર નિયંત્રણ સારું રહે છે અને તેમની વિચારવાની ક્ષમતા પણ સારી રહે છે. વાસ્તવમાં, કસરતને કારણે હૃદયના ધબકારા વધવાથી ન્યુરોન્સ જૂના જોડાણો જળવાઈ રહેવાની સાથે નવા જોડાણો પણ બને છે.
2) આહારમાં આખું અનાજ
ડાયેટ પાર્કિન્સનનો ઈલાજ તો કરી શકતું નથી, પરંતુ સંશોધન દર્શાવે છે કે આહાર સંબંધિત ફેરફારો આ બીમારીના લક્ષણો જરૂર ઘટાડે છે. ડોપામાઈન હોર્મોનની ઊણપ પાર્કિન્સન રોગમાં નોંધપાત્ર અસર કરે છે. આવી સ્થિતિમાં, પૌષ્ટિક આહાર લઈને કુદરતી રીતે ડોપામાઇન વધારીને લક્ષણો ઘટાડી શકાય છે. આહારમાં આખું અનાજ, તાજા ફળો, લીલા શાકભાજીનો સમાવેશ કરીને તેને કુદરતી રીતે વધારી શકાય છે.