પાર્કિન્સનની બીમારી ભલે જીવલેણ ન ગણાતી હોય, પરંતુ તે દર્દીની જિંદગીમાં ઉથલપાથલ જરૂર મચાવી દે છે. શરીરનું નિયંત્રણ વ્યક્તિના અંકુશમાં ન રહે ત્યારે આવું થવું સ્વાભાવિક છે. પાર્કિન્સનનો ભોગ બનેલા વ્યક્તિનાં હાથ સુન્ન થઇ જાય છે. તેમજ મગજ વ્યવસ્થિત રીતે કામ કરવાનું બંધ કરી દે છે. આ એક એવી બીમારી છે જેમાં શરીર ઘણાં અંગોને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા ગુમાવી બેસે છે. તબીબી ભાષામાં કહીએ તો આ એક ન્યુરો-ડિજનરેટિવ ડિસઓર્ડર છે. ૬૦ વર્ષની ઉંમર પછી કેટલાક વડીલો આ બીમારીનો ભોગ બને છે. અલબત્ત, શરૂઆતમાં આ બીમારીનાં લક્ષણોએ ઓળખવા થોડાંક અઘરાં છે. શરીરનાં અંગો પર આ બીમારીની અસર ધીરે ધીરે થવા લાગે છે. આ બીમારીમાં બોલવા-ચાલવાથી માંડીને વ્યક્તિની વિચારવાની ક્ષમતા પર પણ વિપરિત અસર થતી જોવા મળે છે. સાદા શબ્દોમાં કહીએ તો વ્યક્તિનું રોજિંદુ જીવન ખોરવાય જાય છે. સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે આ બીમારીનો કોઇ ઇલાજ નથી, સારવાર નથી. આથી બીમારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે તેનાં લક્ષણોને વહેલામાં વહેલી તકે ઓળખી લેવા, જેથી તેને નિયંત્રણમાં રાખી શકાય.
પાર્કિન્સન બીમારીનાં લક્ષણો
• ધ્રુજારી આવવીઃ પાર્કિન્સનની બીમારીનું આ એક મુખ્ય લક્ષણ છે. જેમાં વડીલોને શરીરમાં ધ્રુજારી આવે છે. આ બીમારીમાં શરીરના કોઇ પણ અંગમાં ધ્રુજારી ઉપડે છે. શરૂઆતમાં આંગળીઓ અને હાથમાં ધ્રુજારી શરૂ થાય છે, જે સમયાંતરે શરીરના અન્ય ભાગોમાં પણ શરૂ થાય છે. જ્યારે તમારું શરીર આરામની સ્થિતિમાં હોય છે ત્યારે પણ ધ્રુજારી આવે છે.
• ઓછી કાર્યક્ષમતાઃ ઉંમરની સાથે સાથે આ બીમારીના લક્ષણમાં ઓછી કાર્યક્ષમતા પણ જવાબદાર છે. પાર્કિન્સનનો ભોગ બનેલા વડીલની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે. આ પરિસ્થિતિમાં તેમને સરળમાં સરળ કામ પણ અઘરું લાગવા માંડે છે. કોઇ પણ કામ કરવામાં તેમને વધારે સમય લાગી જાય છે.
• હલનચલનમાં પરિવર્તનઃ શરૂઆતમાં ધ્યાનમાં પણ ન આવે તે રીતે શરીરના હલનચલનમાં પરિવર્તન આવે છે. આ બીમારીમાં હાથ અને પગમાં સમાન્ય ધ્રુજારી આવે છે. તેમજ આંગળીઓમાં પણ ધ્રુજારી આવે છે. આ ઉપરાંત વ્યક્તિની ચાલવાની રીતમાં બદલાવ આવે છે. તે થોડાક આગળની બાજુ વળીને ચાલવા લાગે છે. તેમના હાથની પકડ મજબૂત રહેતી નથી. આ કારણે તેઓ કોઇ પણ ચીજવસ્તુને પકડવા જાય છે તો તે છટકીને નીચે પડી જાય છે.
• લખવામાં મુશ્કેલી થવીઃ આ બીમારીનું અન્ય એક લક્ષણ છે જેમાં વ્યક્તિને લખવામાં મુશ્કેલી પડે છે. પેન પકડતી વખતે ધ્રુજારીને કારણે વ્યક્તિને અંગુઠો અને તર્જની એકબીજા સાથે ઘસાતા લાગે છે. આ પરિસ્થિતિમાં તમારો હાથ ઝડપી ગતિથી ધ્રુજવા લાગે છે.
• અવાજમાં પરિવર્તનઃ પાર્કિન્સનની બીમારીમાં કેટલાક લોકોના અવાજમાં પણ બદલાવ આવે છે. આવી વ્યક્તિના અવાજ તેમજ ઉચ્ચારણમાં પરિવર્તન આવે છે.
આ પાર્કિન્સન બીમારીની શરૂઆત હોઇ શકે છે. જો તમને પણ તમારા શરીરમાં આવા કોઇ લક્ષણ જોવા મળે તો તમારા જીપીને મળો અને આ બાબતની જાણકારી આપો. તેઓ જરૂરી મેડિકલ ટેસ્ટ બાદ નિદાન કરશે.