મૂળ દક્ષિણ યુરોપમાંથી મળી આવેલી પાર્સલી ૨૦૦૦ વર્ષથી એક મેડિસિનલ પ્લાન્ટ તરીકે વપરાતી આવી છે. ગ્રીક લોકો પાર્સલીને ખૂબ જ પવિત્ર માનતા હતા એટલે એ કોઈ પણ નવી ચીજ, પ્રસંગની શરૂઆતમાં વાપરવામાં આવતી હતી. મધ્યયુગ દરમિયાન ઇટલી, ઇરાન અને અલ્જિરિયામાં એને ખોરાકમાં વાપરવાનું શરૂ થયું હશે એવું મનાય છે.
ખોરાકમાં કયાં વપરાય?
ગ્રીન સેલડ, સેન્ડવીચ, સૂપ, સ્ટ્યુ (વેજિટેબલ્સને પાણીમાં ગરમ કરીને એની ફ્લેવરવાળી એક પ્રકારની ગ્રેવી), સોસમાં વાપરી શકાય. પાર્સલીનો જ્યૂસ પણ હર્બલ ડ્રિન્ક બની શકે છે. સામાન્ય રીતે પચાસ મિલીલીટર જેટલો જ્યૂસ એક દિવસમાં પી શકાય છે. બને ત્યાં સુધી એને અન્ય વેજિટેબલ્સના જ્યૂસ સાથે મેળવીને પીવાય છે.
પાર્સલીના પ્રકાર
પાર્સલીનું બીજું નામ રો સેલરી પણ છે. પાર્સલીમાં બે પ્રકારનાં પાન હોઈ શકે. એક તો કર્લી, અને બીજા ઇટાલિયન ફ્લેટ પાન. બંને મોટા ભાગના સુપર સ્ટોર્સમાં મળી રહે છે. ઇટાલિયન વેરાઇટીમાં વધુ ફ્રેગરન્સ એને ઓછી કડવાશ હોય છે. જોકે કર્લી પાનવાળી પાર્સલી ખૂબ ઓછી માત્રામાં વાપરવામાં આવે તો પણ એનાથી ભોજનમાં સ્વાદ બદલાઈ જાય છે. ચાઇનીઝ પાર્સલી એટલે આપણી કોથમીર.
ગ્રીન પાર્સલીનાં પાન આપણી કોથમીરની જેમ જ ઝડપથી બગડી જાય છે. એને સાચવવા માટે કોટનના પાતળા કપડામાં અથવા તો જાળીવાળા વેજિટેબલ્સની બેગમાં રેફ્રિજરેટરમાં રાખવાથી એકાદ અઠવાડિયું ટકી શકે છે. ગ્રીન લીવ્સના ઓપ્શન તરીકે એનાં સૂકવેલાં પાન ઘરમાં રાખી શકાય છે. જોકે એની ફ્લેવર ખૂબ જ માઇલ્ડ થઈ જાય છે.
પાર્સલીનાં પોષકતત્ત્વો
એમાંથી બિટા કેરોટિન, વિટામીન બી૧૨, ફોલિક એસિડ, કેલ્શિયમ, ક્લોરોફિલ, ફ્લોરિન, આયર્ન મળે છે. પાર્સલી ૨૦ ટકા પ્રોટીનથી બનેલી છે. એમાં પાણીનો ભાગ પણ સારો એવો હોવાથી એ બોડીને મોઇસ્ચરવાળું રાખે છે.
બિટા કેરોટિનની મદદથી શરીરમાં વિટામીન એ બને છે. એને એન્ટિઇન્ફેક્ટિવ વિટામીન પણ કહેવાય છે. એની શક્તિથી આંખ, લિવર, લંગ્સ અને આંતરડાથી ઇન્ફેકશન સામેથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
વિટામિન બી જૂથમાંથી ફોલિક એસિડ એ ખૂબ અગત્યનું છે. એ રક્તવાહિનીઓને ડેમેજ કરતા હોમોસિસ્ટેઇન નામના કેમિકલને યુરિન વાટે બહાર કાઢે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે.
ક્લોરોફિલ એ દરેક લીલા પ્લાન્ટમાંથી મળતું લીલા રંગનું રંજકદ્રવ્ય છે. જે બેક્ટેરિયા, ફંગસ અને અન્ય પ્રજીવકોનાં ફેલાવાને અટકાવે છે.
પાર્સલીમાં ઓરેન્જ કરતાં ત્રણ ગણું વિટામીન છે. ૧૦૦ ગ્રામ પાર્સલીમાંથી ૧૬૬ મિલિગ્રામ વિટામીન સી મળે, જે ફ્લેવર ધરાવતા વેજિટેબલ્સ અને મસાલાઓની સરખામણીએ ઘણું જ વધારે છે.
મુખવાસમાં સૂકાં પાર્સલીનાં થોડાં પાન ઉમેરી દેવાં. એ ચાવવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે, ઇન્ફેક્શન થતું નથી ને કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ હોવાથી હાડકાં મજબૂત થાય છે. સલ્ફર અને મેંગેનિઝ હોવાથી ત્વચાનો વર્ણ પણ સુધરે છે.
સ્વાસ્થ્ય માટે લાભકારક
પાંડુરોગ, ટાલ, કાનમાં ઓછું સંભળાવવું કે ઇન્ફેકશન થવું, સોજા આવવા, પિત્તાશયની પથરી, કિડની અને લિવરની કામગીરીમાં ગરબડ, રૂમેટિઝમ, બરોળ વધવી, નાઇટ બ્લાઇન્ડનેસ વગેરેમાં ફાયદાકારક છે. આ ઉપરાંત રક્ત શુદ્ધિકરણ તેમ જ હોર્મોન બેલેન્સિંગ માટે પણ પાર્સલી ખૂબ જ કામની છે. સ્ત્રીઓને માસિકમાં અનિયમિતતા હોય કે મેન્સ્ટ્રુઅલ પેઇન રહેતું હોય તો પાર્સલીથી રેગ્યુલારિટી આવે છે. એમાંથી ફીમેલ સેક્સ હોર્મોન ઇસ્ટ્રોજન મળતું હોવાથી ગર્ભાશયને બળ આપે છે.