લંડનઃ રોગો પર નિયંત્રણ મેળવવા માટે લાફિંગ કલબ તો ચાલતી જ હોય છે, પરંતુ નૃત્ય પણ કુદરતી સારવાર પૂરી પાડે છે. પીડા અને ચિંતાની સારવાર માટે નૃત્ય થેરપીનો ઉપયોગ થઈ શકે. નૃત્ય એવી અસરકાર સારવાર પદ્ધતિ છે કે અલ્ઝાઈમરના દર્દીને પણ જીવવાની તાકાત આપી જાય છે. વિજ્ઞાનસંબંધી લખાણો લખીને જાણીતા બનેલા સ્ટેર વાર્ટન કહે છે કે કોવિડ-19 મહામારી કાળમાં તેમને એકલવાયી સ્થિતિમાં ગાળવા પડેલા દિવસોમાં નૃત્યે તેમને બહુ મદદ કરી હતી. તેઓ લખે છે કે મહામારી કાળમાં પિતાની કથળેલી તબિયત પછી તેમની પણ તબિયત લથડતાં તેઓ માનસિક ચિંતાઓમાં ડૂબી ગયા હતા. આવા સંજોગોમાં ચિંતાના ભારથી મુક્ત થવા તેઓ રોજ નૃત્ય કરતા હતા. તેમણે અનુભવ્યું હતું કે નૃત્ય તેમની માનસિક ચિંતાઓનું શમન કરતું હતું.
નિષ્ણાતો પણ એ વાતે સહમત છે કે નૃત્ય માનસપટલ પર હકારાત્મક પ્રભાવ છોડે છે. આમ તો હંમેશાં કહેવાય છે કે નિયમિત શારીરિક કવાયત અને માનસિક તંદુરસ્તીમાં સુધાર વચ્ચે સીધો સંબંધ છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે નૃત્ય તેના કરતાં પણ વધુ ફાયદાકારક છે. નિયમિત અને દૈનિક ધોરણે નૃત્ય કરવાથી માનસિક ચિંતાઓનું શમન થતું હોય છે. દૈનિક નૃત્ય ચિંતાનાં લક્ષણો ઘટાડે છે. લાંબા ગાળાની પીડાનું શમન થાય છે. અને અલ્ઝાઇમર જેવી પીડાથી પીડાઈ રહેલા દર્દીની જીવન ગુણવત્તામાં પણ સુધાર થાય છે.