નવી દિલ્હીઃ પીસીઓડી હવે નાની વયની યુવતીઓને પણ થવા લાગ્યું છે અને તેની અસર તેમના શરીરની સાથે મન-મગજ પર પણ પડે છે. પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમનું મુખ્ય કારણ ખોટી લાઈફસ્ટાઈલથી સર્જાતું હોર્મોનલ અસંતુલન છે. આ સ્થિતિમાં યુવતીઓનું વજન ઝડપથી વધે છે અને તેની અસર તેમના આત્મવિશ્વાસ પર પણ પડે છે.
નાની ઉંમરે પીસીઓડી થાય તો યુવતીઓના શરીરમાં મેલ હોર્મોન એન્ડ્રોજન વધુ બનવાના કારણે ચહેરા પર વાળ ઉગવા, ખીલ, મોટાપો, અનિયમિત પિરિયડ્સ કે ૧૫ વર્ષની ઉંમર સુધી પીરિયડ્સ ના આવવા તેમજ ભવિષ્યમાં માતા નહીં બની શકવા જેવી મુશ્કેલીઓ સર્જાય છે. આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો અને યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવી અત્યંત જરૂરી છે. સારવાર ઝડપથી શરૂ કરવાથી ભવિષ્યની અનેક તકલીફોથી બચી શકાય છે.
આત્મવિશ્વાસમાં ઘટાડો
બોડી પોઝિટિવ વેલનેસ કોચ અને યોગ શિક્ષક નૌશીન શેખ નાની ઉંમરે થતાં પીસીઓડી વિશે કહે છે કે, જ્યારે કોઈ યુવતી નાની ઉંમરે પીસીઓડીની શિકાર બને છે, ત્યારે તે પોતાના શરીરને લઈને ખૂબ સભાન થઈ જાય છે. ઝડપથી વધતું વજન તેનો આત્મવિશ્વાસ ઘટાડી દે છે. કેટલીક યુવતીઓ તો ડિપ્રેશનમાં પણ સરી પડે છે. ઓછી ઉંમરે પીસીઓડી થાય તો યુવતીઓનું કાઉન્સેલિંગ ખૂબ જરૂરી છે, જેથી તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે અને તેઓ પણ બીજી યુવતીઓની જેમ જીવનમાં આગળ વધી શકે.