ઓટાવા: એન્ગઝાયટી એટલે કે ચિંતા, ગભરાટ જેવી બીમારી પુત્રીને માતા પાસેથી વારસામાં મળે છે, પરંતુ પિતામાંથી પુત્રને આ પ્રકારનો વિકાર મળવાની શક્યતા ઘણી ઓછી છે. ખાસ વાત એ છે કે જો પિતામાં એન્ગઝાયટી ડિસઓર્ડર ના હોય તો પુત્રમાં પણ તે હોવાની શક્યતા નહિવત્ હોય છે. કેનેડામાં મૂડ ડિસઓર્ડર જેવા માનસિક વિકારોથી પીડિત પરિવારોનાં 400 બાળક પર વારસામાં મળતા રોગોનું સંશોધન કરાયું હતું. સંશોધકોના તારણ અનુસાર, આશરે 10 વર્ષનાં બાળકોના ડેટાનું વિશ્લેષણ કરતાં માલુમ પડ્યું છે કે જો કોઈ બાળકનાં માતા-પિતા બંને એન્ગઝાયટી ડિસઓર્ડરથી પીડાય છે તો તે બાળકને વારસામાં મળવાની શક્યતા વધુ હોય છે. કોઈ બાળકમાં જનીનિક કારણસર ડિસઓર્ડર વધતો હોય તો માતાથી પુત્રી અને પિતામાંથી પુત્રમાં પહોંચવાની પેટર્ન પણ જુદી છે. આમ માતામાંથી પુત્રીને આ ડિસઓર્ડર વધુ મળે છે, જ્યારે પિતામાંથી પુત્રને મળવાની શક્યતા ઓછી છે.
અન્ય એક સંશોધન પ્રમાણે, માતા-પિતાથી બાળકો તેમના વ્યવહારની નકલ કરે છે એટલે એન્ગઝાયટીમાં તેઓ જે વર્તન કરે છે તે જ બાળકો અપનાવી લે છે. માતા-પિતાને એન્ગઝાયટી ડિસઓર્ડર હોય તો બાળકોમાં થવાની શક્યતા વધે છે.