લંડનઃ ફૂડ ચેઈનમાં પ્રવેશેલા પ્લાસ્ટિકના વપરાશને લીધે નવજાત શિશુઓમાં જનનેન્દ્ર્રિય સંબંધી અનિયમિતતા ઉભી થઈ રહી છે અને તે શિષ્નના કદમાં ઘટાડાનું કારણ બની શકે તેમ હોવાનું અભ્યાસમાં જણાયું હતું. મેલ્બોર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ શિષ્નમાં જન્મજાત ખામી એટલે કે હિપ્સોપેડિયાના વધતા પ્રમાણને લીધે ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે તેમ છે.
યુનિવર્સિટી ખાતેના એસોસિએટ પ્રોફેસર અને પુરુષ પ્રજનનના રિસર્ચર એન્ડ્ર્યુ પાસ્કે જણાવ્યું હતું કે આ મુદ્દે બોલવાનો કોઈને રસ ન હોય. પેરન્ટ્સને પણ તેમના બાળકોને આ સમસ્યા છે તે કહેવાનું ન ગમે. સર્જરી દ્વારા તેની સારવાર થઈ શકે પરંતુ, કેટલીક વખત સર્જરીનું પણ યોગ્ય પરિણામ આવતું નથી.
ઓસ્ટ્રેલિયાના અભ્યાસમાં જણાયું હતું કે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ૧૧૮ નર બાળકોનો જન્મ શિષ્નમાં ખામી સાથે થયો હતો. ગંભીર હિપ્સોપેડિયાનું પ્રમાણ ૧૯૮૦થી ૨૦૦૦ વચ્ચે વધીને લગભગ બમણું થઈ ગયું છે.
ડો. પાસ્કે જણાવ્યું હતું કે પ્રમાણ બમણું થતું હોય ત્યારે તેને આનુવંશીય ખામી કહી શકાય નહીં, કારણ કે વસતિ દ્વારા તેને ફેલાતા વર્ષો લાગી જાય. ઘણાં આહાર અને ડ્રિંકસ પ્લાસ્ટિકમાં પેક કરાય છે અને તેમાં કેમીકલ્સનો થતો ઉપયોગ પુરુષો માટે પ્રજનન સંબંધી પહેલી સમસ્યા છે.
યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોલાબોરેટિંગ સેન્ટર ફોર ચીલ્ડ્રન્સ હેલ્થના ડિરેક્ટર પ્રો. પીટર સ્લાયે જણાવ્યું હતું કે કેટલાંક પ્રકારના પ્લાસ્ટિકમાંથી નીકળતાં કેમીકલ્સને લીધે માનવીના સ્પર્મ કાઉન્ટમાં અને શિષ્નની સાઈઝમાં ઘટાડો થતો હોવાના પૂરાવા છે.