લંડનઃ પોતાની બુદ્ધિમત્તાને આંકવાની વાત આવે છે ત્યારે પુરુષો બહુ ઘમંડી બની જાય છે! એક તાજા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષો પોતાને વધુ બુદ્ધિશાળી માનતા હોય છે. અરે, તેના ગ્રેડ જેટલા જ ગ્રેડ ધરાવતી મહિલા સાથે સરખામણી કરવામાં આવે ત્યારે પણ પોતે તેજતર્રાર હોય એવું જ માનતો હોય છે!
એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ જીવવિજ્ઞાન ભણતા ૨૫૦ વિદ્યાર્થીઓને તેમની બુદ્ધિમતા અંગે પૂછ્યા બાદ આ તારણ કાઢ્યું છે. દરેક વિદ્યાર્થીઓને પોતાનું બુદ્ધિકૌશલ્ય ક્લાસમાં દરેક સાથે સરખાવવા માટે કહેવાયું હતું. ખાસ કરીને તેઓ જેમની નજીક હોય તેવા વિદ્યાર્થીઓ સાથે ખાસ!
નિષ્ણાતોને જાણીને આશ્ચર્ય થયું હતું કે મહિલાઓ પોતાની જાતને પુરુષો કરતાં ઓછી બુદ્ધિશાળી ગણતી હતી! વધુ આશ્ચર્ય તો એ વાતનું થયું હતું કે જ્યારે સરેરાશ ૩.૩ ગ્રેડ વાળા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની સરખામણી થઈ ત્યારે પણ વિદ્યાર્થી પોતાને ક્લાસમાં ૬૬ ટકા સ્માર્ટ ગણાવતો હતો! જ્યારે વિદ્યાર્થિની પોતાને ક્લાસમાં અન્ય કરતાં ફક્ત ૫૪ ટકા જ સ્માર્ટ ગણતી હતી!