પુરુષોએ પ્રોસ્ટેટ કેન્સરના વિચાર કે ચર્ચાને અવગણવા ન જોઈએ

Wednesday 26th February 2025 04:20 EST
 
 

યુકેમાં પ્રોસ્ટેટ કેન્સરે સૌથી સામાન્ય કેન્સર તરીકે બ્રેસ્ટ કેન્સરનું સ્થાન છીનવી લીધું છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં યુરોલોજીના વડા અને વિશ્વમાં પ્રોસ્ટેટ કેન્સરના સંશોધનમાં પ્રખ્યાત પ્રોફેસર હાશિમ અહમદના જણવ્યા અનુસાર વેળાસર નિદાન થાય તો સાધ્ય ગણાતા પ્રોસ્ટેટ કેન્સરથી યુકેમાં દર વર્ષે આશરે 12000થી વધુ લોકોના મોત થાય છે. વર્ષ 2023માં 55,000 લોકોને આ કેન્સર હોવાનું નિદાન કરાયું હતું તેની પાછળ કોવિડના ગાળામાં સૌથી ઓછાં નિદાન તેમજ મહામારી પછી NHS ઈંગ્લેન્ડ અને પ્રોસ્ટેટ કેન્સર યુકે દ્વારા અત્યંત સફળ અભિયાન કારણભૂત છે. તેઓ કહે છે કે પ્રોસ્ટેટ કેન્સરનો વિચાર પણ ન કરવો, તેની ચર્ચાને પણ અવગણવી તે પુરુષોની સૌથી મોટી ભૂલ છે. પુરુષોએ તેના વિશે સક્રિયપણે વિચારવું જોઈએ અને GP પાસે જઈ પ્રોસ્ટેટ કેન્સર માટે ટેસ્ટ કરાવવાના નિર્ણયમાં આગળ વધવું જોઈએ.
પ્રોસ્ટેટ અથવા પુરસ્થગ્રંથિ પુરુષોના પ્રજનનતંત્રમાં મૂત્રાશયની નીચે મૂત્રમાર્ગની આસપાસ અખરોટના કદનું અંગ છે. પ્રોસ્ટેટ ગ્રંથિના કોષોમાં અનિયંત્રિત વૃદ્ધિ થવાથી કેન્સર થાય છે અને તે ખાસ કરીને 45 વર્ષથી વધુ વયના પુરુષોમાં જોવા મળે છે. પ્રોસ્ટેટ કેન્સર થવામાં આનુવંશિક પરિબળો પણ ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સર ખૂબ જ ધીમે ધીમે આગળ વધે છે જેથી તેના લક્ષણો જાણવા અને સમજવામાં વિલંબ થાય છે અને વેળાસર નિદાન કરી શકાતું નથી. જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ કેન્સરગ્રસ્ત બને છે ત્યારે તેનાથી મૂત્રમાર્ગ પર દબાણ આવે છે જેના કારણે પેશાબ કરવામાં મુશ્કેલી થાય, વારંવાર, તૂટક તૂટક અથવા પીડાદાયક પેશાબ થાય છે, ક્યારેક બળતરા અનુભવાય અથવા પેશાબમાં લોહી પણ જોવાં મળી શકે છે.
પ્રોસ્ટેટ કેન્સરના લક્ષણો કેવાં હોઈ શકે?
પ્રોસ્ટેટ કેન્સરના સામાન્ય લક્ષણોમાં વધુ વખત પેશાબ કરવા જવું પડે અથવા પેશાબ કરવામાં તકલીફ પડવાનો સમાવેશ થાય છે. પ્રોસ્ટેટ કેન્સર પ્રારંભિક તબક્કાઓમાં કોઈ લક્ષણ દર્શાવતું નથી. જે સમયે દુઃખાવો થાય, પેશાબમાં લોહી આવે અથવા પેશાબ કરવામાં સમસ્યા જણાતી હોય ત્યારે સમસ્યા આગળ વધી ગઈ હોય છે. ડો. અહેમદ કહે છે કે પેશાબ કરવામાં કે રાત્રે ઉઠવું પડે, પ્રવાહ ધીમો હોય કે વારંવાર જવું પડે તે કેન્સરના લક્ષણો નથી. આ પુરુષોની વૃદ્ધાવસ્થાના તેમજ કેન્સર ન હોવાં સાથે પ્રોસ્ટેટ વધતું હોય અને પ્રવાહી પસાર થવામાં દબાણ વધારતું હોવાનાં સામાન્ય લક્ષણો છે. આથી, લક્ષણો પર વધુ ધ્યાન આપવાના બદલે પ્રોસ્ટેટ કેન્સરની તપાસ માટે બ્લડ ટેસ્ટ કરાવી લેવો હિતાવહ ગણાય.
પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજેન (PSA) ટેસ્ટ શું છે?
પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજેન (PSA) એક રસાયણ છે જે પ્રોસ્ટેટમાંથી ઝરે છે. સામાન્યપણે 50થી 75 વયજૂથના પુરુષોમાં તેનું પ્રમાણ પ્રતિ મિલિલિટર લોહીમાં 3 નેનોગ્રામ્સથી વધુ જણાય તો GP તમને હોસ્પિટલમાં રીફર કરી શકે છે. જોકે, યુરિનરી ઈન્ફેક્શનથી સોજા, સેક્સ્યુઅલ પ્રવૃત્તિ અથવા ટેસ્ટ અગાઉના 48 કલાક પહેલા સાયકલિંગ જેવી ભારે કસરત સહિતના અન્ય કારણોથી પણ PSAનું પ્રમાણ ઊંચુ જાય છે. આમ છતાં, PSAની ચોક્કસતા નબળી ગણાવાય છે. રક્ત પરીક્ષણ પ્રોસ્ટેટ-સ્પેસિફિક એન્ટિજેન (PSA) નો ઉપયોગ ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓમાં પ્રોસ્ટેટ ગાંઠોને તેમના પ્રારંભિક તબક્કામાં શોધવા માટે થઈ શકે છે. હાઈ રિસ્ક કેન્સર સાથેના 15 ટકા પુરુષોમાં PSAસ્કોર નીચો હોય છે તો બીજી તરફ, PSAસ્કોર ઊંચો હોય તેવા 75 ટકા પુરુષોમાં કેન્સર હોતું પણ નથી.
પ્રોસ્ટેટ કેન્સર સામાન્ય રીતે ખૂબ જ ધીમે ધીમે વધે છે, અને વ્યક્તિઓ થોડા સમય માટે લક્ષણો દર્શાવી શકતા નથી. આથી ચિકિત્સક તાત્કાલિક સારવારને બદલે ‘સાવધાની સાથે રાહ જોવા’ના અભિગમની ભલામણ કરી શકે છે. આ ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ અથવા અન્યથા ખરાબ સ્વાસ્થ્ય ધરાવતા દર્દીઓ માટે સાચું છે. જો સારવારની જરૂર હોય, તો ચિકિત્સક શસ્ત્રક્રિયા, રેડિયેશન, હોર્મોન થેરાપી, કીમોથેરાપી અથવા આમાંથી બે અથવા વધુ અભિગમોના મિશ્રણનો ઉપયોગ કરી શકે છે. સામાન્ય રીતે સર્જરી ફક્ત ત્યારે જ કરવામાં આવે છે જો કેન્સર પ્રોસ્ટેટમાંથી ફેલાયું ન હોય. જો પ્રોસ્ટેટ મોટું થયું હોય, તો પ્રારંભિક નિદાન ગુદામાર્ગની તપાસ અથવા ટ્રાન્સરેક્ટલ અલ્ટ્રાસાઉન્ડ (TRUS) દ્વારા કરી શકાય છે. જો આમાંથી કોઈપણ પરીક્ષણ કેન્સર સૂચવે છે, તો નિદાનની પુષ્ટિ કરવા માટે બાયોપ્સી કરવામાં આવે છે. PSA ટેસ્ટ પછી સીધું બાયોપ્સી પરીક્ષણ કરાવવાના બદલે મલ્ટિપેરોમેટ્રિક MRI (mpMRI) કરાવવી હિતાવહ છે જે ચોકસાઈ ધરાવે છે તેમજ તેના પરિણામે, કેન્સરની ગાંઠ અને તેના ફેલાવા વિશે જાણકારી મળે છે. જો શરૂઆતમાં જ ખબર પડે, તો પ્રોસ્ટેટ કેન્સરની સારવાર કરી શકાય છે. મોટાભાગના પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન ફેલાતા પહેલા અથવા ફક્ત સ્થાનિક રીતે ફેલાય છે ત્યારે થાય છે અને આ કિસ્સાઓમાં બચવાનો દર ખૂબ ઊંચો છે.
લાઈફસ્ટાઈલ બદલીને પ્રોસ્ટેટ કેન્સરથી બચી શકાય?
ડો. અહમદ કહે છે કે આહારમાં બદલાવથી કેન્સર વધુ ખરાબ થવાની શક્યતા ઘટાડી શકાય છે. તેઓ રાંધેલાં ટામેટાં, દાડમનું ફળ કે તેનો રસ, દિવસમાં એક કપ ગ્રીન ટી, એન્ટિઓક્સિડન્ટ ધરાવતા મિક્સ નટ્સ, કોલીફ્લાવર, કેલ (kale) અને બ્રોકોલી જેવાં પાંદડેદાર શાકભાજી ખાવાની સલાહ આપે છે જે પ્રોસ્ટેટ માટે સારાં ગણાય છે. જો આહારમાં ફેરફાર કરવામાં આવે તો કેન્સરને વધુ ખરાબ થતું બચાવી શકાય છે. ડો. અહમદ અનુસાર સપ્તાહમાં ઓછામાં ઓછાં ત્રણ દિવસ સ્વિમિંગ, જોગિંગ, ઝડપી ચાલવું સહિતની એરોબિક કસરતો 20થી 30 મિનિટ સુધી કરવાથી પણ પ્રોસ્ટેટ ગ્લેન્ડને રક્ષણ મળે છે. આ ઉપરાંત, પેશાબ પર નિયંત્રણ મેળવવામાં મદદ કરતી પેલ્વિક ફ્લોરને મજબૂત કરતી કસરતોથી પણ મદદ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter