પુરુષોની તુલનાએ સ્ત્રીઓને હૃદયરોગની વધુ ખરાબ અસર થાય છે

Saturday 23rd September 2023 08:08 EDT
 
 

નવી દિલ્હીઃ હૃદય સંબંધિત બીમારીઓ માટે સ્ત્રીઓમાં નિદાન અને સારવાર પુરુષોની તુલનાએ મોડું થાય છે અને તેનાથી પુરુષો કરતાં સ્ત્રીઓ હૃદયરોગના વધુ ખરાબ પરિણામો ભોગવે છે. વધુમાં યુવાન મહિલાઓમાં હાર્ટ એટેકના દરમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ભારત સહિત 50 દેશોના 15 અભ્યાસોના આધારે આ નિષ્કર્ષ તારવવામાં આવ્યો છે.

સંશોધકોએ નોંધ્યું છે કે મહિલાઓમાં ઉલટી, જડબામાં દુખાવો અને પેટનો દુખાવો જેવા વધારાના લક્ષણો જોવા મળે છે. મહિલામાં છાતીનો દુઃખાવો પણ બિનપરંપરાગત લક્ષણ છે. જો આ લક્ષણો ડોકટરો અથવા દર્દીઓના ધ્યાન બહાર રહી જાય તો નિદાન અને સારવારમાં વિલંબ થાય છે.

અમેરિકાની મેસેચ્યુસેટ્સ લોવેલ યુનિવર્સિટીના એસો. પ્રોફેસર મહદી ઓ ગેરેલનાબીએ જણાવ્યું હતું કે અમને કાર્ડિયોવેસ્ક્યુલર રોગના નિદાન, તેની સારવાર અને લક્ષણોમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે મોટો તફાવતો જોવા મળ્યો છે. સામાન્ય રીતે રોગના લક્ષણો દેખાય પછી પુરુષોની તુલનાએ સ્ત્રીઓ મોડી હોસ્પિટલમાં જતી હોય છે. વધુમાં ડોક્ટર્સ જે દરે પુરુષોને હોસ્પિટલમાં દાખલ છે તે દરે મહિલાઓને દાખલ કરતાં હોતાં નથી.
આર્ટેરિયોસ્ક્લેરોસિસ, થ્રોમ્બોસિસ અને વેસ્ક્યુલર બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલું વિશ્લેષણ એ પણ સંકેત આપે છે કે યુવાન સ્ત્રીઓમાં હાર્ટ એટેકનો દર વધી રહ્યો છે. અભ્યાસ દર્શાવે છે કે 1995થી 2014 વચ્ચે 35થી 54 વર્ષની વયની મહિલાઓમાં હાર્ટ એટેક્નો દરે 21 ટકાથી વધીને 31 ટકા થયો હતો. આ જ સમયગાળા દરમિયાન પુરુષોમાં હાર્ટ એટેકના દરમાં થોડો વધારો થયો હતો, જે 30 ટકાથી વધુને 33 ટકા થયો હતો. યુવાન સ્ત્રીઓમાં હાર્ટ એટેકનો દર વધી રહ્યો છે તે ચિંતાજનક છે.
તેમણે જણાવ્યુ હતું કે મહિલાઓમાં હૃદય સંબંધિત રોગ લાવતા કોમન જોખમી પરિબળોમાં અકાળ મેનોપોઝ, એન્ડોમેટ્રિઓસિસ અને હાયપરટેન્શન ડિસઓર્ડરનો સમાવેશ થાય છે. આ તારણો બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ભારત, અરેબિયન ગલ્ફ દેશો અને યુએસ સહિત 50 દેશોના પંદર અભ્યાસોના તારણો પર આધારિત છે. આ વ્યાપક અભ્યાસમાં 23 લાખ લોકોને આવરી લેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter