એટલાન્ટાઃ વૈજ્ઞાનિકોનો દાવો છે કે વાંદરાના સ્ટેમ સેલમાંથી વિકસાવાયેલા સ્પર્મથી એગને ફર્ટિલાઇઝ કરવામાં સફળતા મળી છે. આ પ્રયોગ વાંદરાઓ પર કરવામાં આવ્યો છે. આ પ્રયોગ કરનાર જ્યોર્જિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાંદરાઓનું પ્રજનન તંત્ર એટલે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ માણસો સાથે મળતી આવે છે. આ સ્પર્મને તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને પાંચ વર્ષનો સમય લાગ્યો છે.
જ્યોર્જિયા યુનિવર્સિટીના મુખ્ય રિસર્ચર ચાર્લ્સ એસ્લેનું કહેવું છે કે, આ એક મોટી શોધ છે. સ્ટેમ સેલ થેરપીથી એ પુરુષોમાં નપુંસકતાની સારવાર થઇ શકશે જેમનામાં પૂરતી સંખ્યામાં સ્પર્મ બની શકતાં નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પુરુષોના સ્પર્મમાં ખામી હોવાના ઘણા કારણો હોઇ શકે છે. કેન્સર ટ્રીટમેન્ટ અને ઇન્ફેક્શન પણ આ માટે જવાબદાર હોય છે. સ્તનધારીઓમાં સ્પર્મ બનવામાં એક મહિના કરતાં વધારે સમય લાગે છે. શરીરની જટિલ પ્રક્રિયાઓમાંની આ એક છે. રિસર્ચરોનું કહેવું છે કે, વાંદરાઓના સ્ટેમ સેલનો પ્રયોગ કરીને લેબમાં સ્પર્મ તૈયાર કરાયું છે તેમાં સ્ટેમ સેલને કેમિકલ, હોર્મોન્સ અને ટેસ્ટિક્યૂલર ટિશ્યૂની મદદથી તેને સ્પર્મ સેલ્સમાં ફેરવવામાં આવ્યું. જોકે હજુ ૧૦૦ ટકા સુધી એવું ના કહી શકાય કે આ ટેકનોલોજી પુરુષોની નપુંસકતાની સંપૂર્ણ રીત સારવાર કરી શકશે, પરંતુ આ સંશોધનને સમસ્યાના ઉકેલની દિશામાં આશાનું કિરણ જરૂર ગણી શકાય.