પેટના કયા ભાગમાં થતો દુઃખાવો કઇ બીમારીનો સંકેત હોય શકે?

Wednesday 29th March 2023 04:31 EDT
 
 

પેટનો દુઃખાવો સર્વસામાન્ય સમસ્યા છે. અનિયમિત જીવનશૈલી, ખરાબ ખાણીપીણી, બેઠાડું જીવન, શારીરિક નિષ્ક્રિયતા સહિત તેના અનેક કારણ હોઇ શકે છે. પેટના દુઃખાવો જ્યારે લાંબા સમય સુધી રહે તો તે અનેક બીમારીઓનો સંકેત હોઇ શકે છે.
પેટના દુઃખાવા સાથે જો તાવ, ઉલટી, અચાનક, વજન ઘટના જેવી સમસ્યાઓ હોય તો એપેન્ડિસાઇટિસ, અલ્સર, પથરી અને આઇબીએસ (ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ)ની સમસ્યા પણ હોઇ શકે છે. હકીકતમાં પેટની નજીકમાં દુઃખાવો કોઇ અંગનો દુઃખાવો પણ હોઇ શકે છે.
પેટમાં થતા દુઃખાવા અને તેના સ્થાનું જો ધ્યાનથી નિરીક્ષણ કરાય તો બીમારીને સમજી શકાય છે. પેટમાં અલગ-અલગ સ્થાનો પર અને અલગ પ્રકારનો દુઃખાવો બીમારી અંગે સ્પષ્ટ સંકેત આપે છે.
પેટમાં ઉપરની તરફ બળતરાની સાથે દુઃખાવો એટલે...
...અલ્સર. પેટમાં ઉપરના ભાગે હળવી બળતરા સાથે દુઃખાવો પેપ્ટિક અલ્સરની મુખ્ય ઓળખ છે. પેટમાં સોજો, ઓડકાર, ભૂખ ઘટવી, વજન ઘટવું તેના મુખ્ય લક્ષણ છે. પેપ્ટિક અલ્સર પેટના પડખે નાના આંતરડા પર એક ઘા છે. • કેમ થાય છેઃ એચવીપી અને સ્ટેરોઇડ વગરની સોજો દૂર કરતી દવાઓનો વધુ પડતો ઉપયોગ મુખ્ય કારણ છે. • ઇલાજઃ અલ્સરનો ઇલાજ એસિડ ઘટાડતી દવાઓથી થાય છે. જોકે આ દવાઓ કોઇ વિશેષજ્ઞની દેખરેખમાં જ લેવી
પેટમાં જમણી બાજુ નીચેના ભાગમાં દુઃખાવો એટલે...
...એપેન્ડિસાઇટિસ. હળવો તાવ, કબજિયાત, ઉબકા અને ડાયરિયાની સાથે પેટની જમણી તરફ નીચેના ભાગમાં તીવ્ર દુખાવો છે તો તે એપેન્ડિસાઇટિસ હોઇ શકે છે. તેનો દુઃખાવો હંમેશા પાછળની તરફ વળવા અને ઊંડો શ્વાસ લેવા, છીંકવા કે ખાંસવામાં થાય છે. • કેમ થાય છેઃ ઇન્ફેક્શનના કારણે એપેન્ડિક્સમાં
સોજો આવવો કે પછી તેમાં પરૂ ભરાઇ જવાને કરાણે. • ઇલાજઃ તેનો ઇલાજ સર્જરી કરીને સંક્રમિત એપેન્ડિક્સને શરીરમાંથી બહાર કાઢવું છે.
પેટના નીચેના ભાગમાં સોજો એટલે...
...આઇબીસ એટલે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ. જેમાં પેટ ફૂલાવું, વધુ પ્રમાણમાં ગેસની સાથે જો પેટના નીચેના ભાગમાં સોજો રહે છે. સાથે જ કબજિયાત કે પછી ડાયેરિયાની ફરિયાદ હોય તો આઇબીએસ હોઇ શકે છે. • કેમ થાય છેઃ મગજ અને આંતરડાની વચ્ચેનો સંચાર પ્રભાવિત થવો મુખ્ય કારણ છે. • ઇલાજઃ ભોજનમાં ફાઇબર સામેલ કરો, તરલ પદાર્થોનું પ્રમાણ વધારો, રોજ 20થી 30 મિનિટ બ્રિસ્ક વોક કરો.
પેટના નીચેના ડાબા ભાગમાં દુઃખાવો એટલે...
...ડાયવર્ટીફૂલાઇટિસ. આ સમસ્યા મુખ્તત્વે મોટા આંતરડાં સાથે સંબંધિત છે. ગેસની સાથે જો પેટના નીચેના ડાબા ભાગમાં દુઃખાવો થાય છે તો તે ડાયવર્ટિફૂલાઇટિંસ હોઇ શકે છે. મોટાભાગના કિસ્સામાં 40થી વય પછી લોકોને આ સમસ્યા થાય છે. • કેમ થાય છેઃ પાચન પદ્વતિમાં નાની થેલીઓના બનવાને કારણે સમસ્યા થાય છે. સંક્રમણ પણ આ સમસ્યા થવાનું કારણ હોઇ શકે છે. • ઇલાજઃ એન્ટિબાયોટિકથી આ તકલીફ દૂર કરી શકાય છે. ભોજનમાં હળવા અને તરલ પદાર્થનું સેવિન ફાયદાકારક. જોકે તબીબી માર્ગદર્શનમાં જ દવા લેવી જોઇએ.
પેટની વચ્ચેના ભાગમાં બળતરા, દુખાવો એટલે...
...હાર્ટબર્ન. તેલ-મસાલાવાળા ભારે ભોજન પછી થતી આ સામાન્ય સમસ્યા છે. તેમાં સૌથી મહત્ત્વનો શબ્દ છે - બળતરા. આ સિવાય મોઢામાં કડવું પાણી આવવું પણ મુખ્ય લક્ષણ છે. જેને એસિડ રિફલેક્સ પણ કહે છે. હકીકતમાં આ અડધું પચેલું ભોજન કે તરલ હોય છે. જેમાં પાચનમાં મદદ કરતું એસિડ ભળેલું હોય છે. આ મિશ્રિત તરલ અન્નનળીમાંથી થઇને ગળા તરફ આવે છે, જેના કારણે બળતરા અનુભવાય છે. • કેમ થાય છેઃ મોડી રાત્રે ભોજન કરવું, વધુ મસાલાવાળું ભોજન કે પેટના બળે ઊંઘવાથી પણ આ સમસ્યા થઇ શકે છે. • ઇલાજઃ એસિડ ઘટાડતી દવાઓથી જો આરામ ન થાય તો ડોક્ટરનો સંપર્ક કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter