પેટના બેક્ટેરિયા એંક્ઝાઈટીની સારવારમાં મદદરૂપ
વિશ્વમાં આશરે 4 ટકા લોકો એંક્ઝાઈટી ડિસઓર્ડર અથવા તો કોઈ પણ બાબતે ચિંતાગ્રસ્ત થનારા લોકો રહે છે. આ એક માનસિક આરોગ્ય સમસ્યા છે જેની સારવાર વાતચીત થેરાપી, લાઈફસ્ટાઈલમાં બદલાવ અને દવાઓ થકી કરાય છે. એંક્ઝાઈટીની સારવાર માટે હાલ ઉપયોગમાં લેવાતા ઔષધો બધાને કામ લાગતા નથી. વિવિધ અભ્યાસો અનુસાર એંક્ઝાઈટી માટે સારવાર કરાય છે તેવા 60થી 85 ટકા લોકો જ વર્તમાન સારવારને પ્રતિસાદ આપે છે. માઉસ મોડેલ પર એક નવા અભ્યાસમાં ગટ માઈક્રોબાયોમ (આંતરડા અને જઠર સહિત પેટમાં રહેલા સારા પ્રકારના બેક્ટેરિયા સમૂહ)માં વિશિષ્ટ માઈક્રોબાયલ મેટાબોલાઈટની ઓળખ કરાઇ છે જે એંક્ઝાઈટી સાથે સંકળાયેલી મગજની એક્ટિવિટીઝને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સંશોધકોને આશા છે કે આનાથી પેટ અને મગજની ધરીને લક્ષ્ય બનાવતી નવી થેરાપી શોધી શકાશે. ઊંદરો પરના પ્રયોગોમાં સંશોધકોને જણાયું હતું કે બેક્ટેરિયા કે જીવાણુમુક્ત ઊંદરોમાં એંક્ઝાઈટીનું પ્રમાણ ઊંચુ હતું. મગજનો બેસાલેટરલ એમિગ્ડાલા નામનો ચોક્કસ હિસ્સો ભય અને ચિંતા સહિત અનુભવાતી લાગણીઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઊંદરોને પ્લાન્ટ્સ, પ્રાણીઓ અને માનવોમાં મળતા ઈન્ડોલ્સ તરીકે ઓળખાતા કુદરતી સંયોજનો માઈક્રોબાયલ મેટાબોલાઈટ આપીને સારવાર કરવામાં આવી ત્યારે તેમની ચિંતા સંબંધિત વર્તણૂકમાં ઘટાડો જોવા મળ્યો હતો. આનાથી, માનવીઓમાં પણ ચિંતાતુરતાની સારવારની નવી આશા સર્જાઈ છે.
•••
બહુ સ્ટ્રેસ લેશો તો માથાના વાળ ગુમાવવા પડશે
લાંબા સમયનો તણાવ માથાના વાળને ગુમાવવા પડે તેવી પરિસ્થિતિ તરફ દોરી જાય છે. સંશોધનો અનુસાર શારીરિક, માનસિક અથવા લાગણી સાથે સંકળાયેલો તણાવ ચોક્કસ પ્રકારે વાળને ઉતારે છે. સ્ટ્રેસ હોર્મોન્સ વાળના મૂળિયામાં રહેલા કોષો પર અસર કરે છે અને વાળની વૃદ્ધિના સામાન્ય ચક્રમાં દખલ કરે છે. આ પ્રકારે વાળ ઓછાં થાય તે સામાન્યપણે કાયમી બાબત નથી અને તણાવ સંબંધિત હેર લોસને અટકાવવાના માર્ગો પણ છે. અચાનક કે ઝડપી વાળ ઉતરવા લાગે તેને ટેલોજેન એફ્લુવિયમ (Telogen Effluvium) તરીકે ઓળખાવાય છે. બાળકને જન્મ આપવો, નોકરી ગુમાવવી, ડાઈવોર્સ, સર્જરી, કેન્સરની સારવાર અથવા ભારે તાવ સાથેની મોટી બીમારી, વજનમાં 20 પાઉન્ડ (9 કિલો) કે તેથી વધુ ઘટાડો, હોર્મોનલ બર્થ કંટ્રોલ પિલ્સ લેવાની બંધ કરવી, ચોક્કસ પ્રકારની દવાઓ સહિતની પરિસ્થિતિઓમાં આવતા શારીરિક કે માનસિક તણાવના કારણે વાળ ઉતરવા લાગે છે. આ પરિસ્થિતિ ચોક્કસ ઘટનાના ત્રણ મહિના પછી જોવાં મળે છે અને તણાવનું કારણ દૂર થવા સાથે 6 કે તેથી વધુ મહિનામાં વાળની વૃદ્ધિ પુનઃ શરૂ થવા લાગે છે. ઘણાં લોકોને પોતાના વાળ ખેંચી કાઢવાની વિકૃતિ કે આદત હોય છે જેને ટ્રાઈકોટિલ્લોમેનિઆ (trichotillomania) કહેવાય છે અને આના માટે પણ તણાવ જવાબદાર હોય છે. નિષ્ણાતોના માનવા મુજબ ટ્રાઈકોટિલ્લોમેનિઆ તણાવનો સામનો કરવા માટે વાળ ખેંચવાનું મિકેનિઝમ હોઈ શકે છે જે સમયાંતરે આદતમાં બદલાઈ જાય છે. આ ઉપરાંત, વાળ ગુમાવવાનો અન્ય પ્રકાર એલોપેસિઆ એરેટા (Alopecia areata) છે જેમાં સ્ટ્રેસના કારણે શરીરની ઈમ્યુન સિસ્ટમ ભૂલથી વાળના કોષમૂળ પર હુમલો કરે છે જેના પરિણામને, વાળમાં નાની નાની ટાલ પડે અથવા સંપૂર્ણ ટાલ પડી જાય છે.
•••