એકલતા પેનિક એટેકનું સૌથી મોટું કારણ છે. સતત ચિંતા અને તણાવમાં રહેવાથી પેનિક એટેકનો ખતરો વધી જાય છે. મનનો ભય કે હૃદયની કોઈ વાત શેર નહીં કરવાના કારણે પણ તે ફોબિયા કે મનોરોગમાં પરિવર્તિત થાય છે. આ પ્રકારના કેસ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને ટીનેજર્સમાં તેનો ખતરો વધ્યો છે. 20 વર્ષની ઉંમર સુધી પેનિક એટેકનો ખતરો સૌથી વધુ હોય છે. પુરુષોની તુલનામાં મહિલાઓને પેનિક એટેકનો ખતરો બમણો હોય છે.
પણ આ પેનિક એટેક શું છે? કોઈ અજાણ્યા ભયના કારણે શારીરિક કે માનસિક લક્ષણો દેખાય તો તેને પેનિક એટેક કહે છે. તેના લક્ષણોની વાત કરીએ તો, હૃદયના ધબકારા વધી જવા, શ્વાસ લેવામાં તકલીફ, શરીર સુન્ન થઈ જવું કે ધ્રુજારી છૂટવી, છાતી જકડાઈ જવી, ગૂંગળામણ થવી વગેરે તેના લક્ષણ છે. કેટલાકને પરસેવો કે ઠંડી પણ લાગે છે.
હવે આપણે જાણીએ, આ શારીરિક-માનસિક તકલીફથી બચી શકાય કઇ રીતે. પેનિક એટેકથી બચવા માટે યોગનો સહારો લો. મનોચિકિત્સક કે મનોવિજ્ઞાનીના સાઇકો એજ્યુકેશન માધ્યમથી પણ ડર દૂર કરવામાં મદદ મળી શકે છે.
પેનિક એટેકને કઇ રીતે કાબૂમાં રાખી શકો?
• જાત સાથે વાત કરોઃ પેનિક એટેકને સતત મોનિટર કરતા રહો. જો અગાઉ તમને પેનિક એટેક આવી ચૂક્યો હોય તો ફરી લક્ષણ દેખાય ત્યારે પોતાની જાતને સમજાવો કે, અગાઉ તમે તેનો સામનો કરી ચૂક્યા છો. પેનિક એટેક જીવલેણ નથી હોતો, તો પછી તેનાથી ગભરાવાનું કેમ! આ સેલ્ફ હેલ્પ તમને પેનિક એટેકના બચાવમાં બહુ ઉપયોગી સાબિત થશે.
• ડીપ બ્રિધિંગ કરોઃ શ્વાસ લેતા વખતે છાતીના બદલે પેટ ફૂલાવો. તેનાથી શ્વાસ લાંબા અને ઊંડા થશે અને મગજ સુધી વધુ ઓક્સિજન પહોંચશે. નર્વસ સિસ્ટમ તે સંકેત આપશે કે, આ અવસ્થા સામે લડવાની જરૂર નથી.
• લાગણી વહેંચોઃ કોઈ મિત્ર કે પારિવારિક સભ્ય સાથે વાત કરો. વર્તમાનમાં તમે કેવું અનુભવો છો કે શરીરમાં કયા પ્રકારના સેન્સેશન અનુભવો છો તે વિશે જણાવતા રહો. પ્રિય વ્યક્તિ સાથે વાતચીત કરવાથી પણ આ લક્ષણો ઝડપથી ઘટવા લાગે છે.
• એક ગ્લાસ પાણી પીઓઃ પેનિક એટેક વખતે વ્યક્તિ તેના લક્ષણોથી ગભરાઇ જાય છે. એ સ્થિતિમાં એક ગ્લાસ ઠંડુ પાણી પણ તમારી મનોસ્થિતિને નોર્મલ કરવામાં, વર્તમાન સ્થિતિમાં લાવવામાં મદદ કરે છે.
અને હા, આમ કર્યા પછી પણ તકલીફ વધતી જણાય તો જીપીનો સંપર્ક કરો.