લંડનઃ સામાન્ય રીતે તાવ વખતે લેવામાં આવતી પેરાસીટામોલ દવા 65 વર્ષ કે તેથી વધુ વયના લોકોમાં ગેસ, હૃદય અને કિડની સંબંધિત જટિલતાઓનું જોખમ વધારી શકે છે. નોટિંગહામ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરાયેલા રિસર્ચના તારણ અનુસાર પેરાસીટામોલના ઉપયોગથી પેપ્ટિક અલ્સરને કારણે રક્તસ્રાવનું જોખમ 24 ટકા જ્યારે નીચલા જઠરના માર્ગમાં રક્તસ્રાવનું જોખમ 36 ટકા વધી જાય છે. પેરાસીટામોલનું સેવન ગોળીઓના રૂપમાં જ્યારે બાળકો માટે પ્રવાહી સ્વરૂપમાં થાય છે. તેને એસિટામિનોફેન તરીકે પણ ઓળખવામાં આવે છે. પેરાસીટામોલનો ઉપયોગ માથાનો દુખાવો, પીરિયડનો દુખાવો, દાંતનો દુખાવો, પીઠનો દુખાવો, અસ્થિવા, શરદી અથવા ફ્લૂને કારણે થતો દુખાવો અને તાવ ઘટાડવા માટે થાય છે. સામાન્ય રીતે હળવાથી મધ્યમ તાવનાં લક્ષણો દરમિયાન સૌથી પહેલા પેરાસીટામોલની ભલામણ કરવામાં આવે છે. જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે બાળકો માટે પેરાસિટામોલનો ઉપયોગ ત્યારે જ કરો, જ્યારે તેમના શરીરનું તાપમાન 101.3 ડિગ્રી ફેરનહીટથી ઉપર જાય.