લંડનઃ આજકાલ સ્માર્ટફોન વાપરનારાઓમાં પોકેમોન ગો ગેમ ખૂબ લોકપ્રિય બની છે ત્યારે તેનાથી સ્વાસ્થ્યને કારણે થતા ગેરફાયદા પર અનેક સમાચાર પ્રકાશિત થયા છે. જોકે તાજેતરમાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક લેખ પ્રમાણે પોકેમોન ગો ગેમ માત્ર વજન ઊતારવામાં જ મદદ કરે છે એવું નથી, પણ તે ઘરકૂકડી બની રહેવાનું પસંદ કરતા લોકોને બહારની દુનિયા દેખાડીને વાસ્તવિક સ્થળોથી રૂબરૂ કરાવે છે. આ લેખ પ્રમાણે, પોકેમોન ગોના ક્રેઝને કારણે લોકો તેમની શેરીઓથી લઇને મેદાનો અને વિવિધ સ્થળોને ખૂંદતા થયા છે તે સાથે એકબીજા સાથે જોડાઇને ગેમ્સની મજા પણ માણી રહ્યાં છે. આ લેખમાં ડો. મેક કાર્ટની પોતાના દીકરાનો કિસ્સો ટાંકતા કહે છે કે તેમનો આઠ વર્ષનો દીકરો આ ગેમ રમતા માઇલો દૂર ચાલી નીકળતો અને તેને કારણે તે ઘરથી બહાર નીકળીને બહાર ચાલતો થયો છે. લેખમાં રજૂ થયેલા અન્ય સૂચનો પ્રમાણે આ ગેમ બાળકોને ડિપ્રેશન, ઓબેસિટી અને ડાયાબિટિસ જેવા રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે. જોકે આ સાથે લેખમાં ગેમ્સને કારણે ચોર-લૂંટારાઓને મોકળું મેદાન મળ્યું હોવાનો પણ ઉલ્લેખ છે. સ્માર્ટફોન પર પોકેમોનને પકડવા માટે લોકો જ્યારે સ્પોટ પર ભેગા થાય છે ત્યારે બંધૂકની અણીએ લૂંટ કરવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.