લંડનઃ કોરોના કાળમાં જો તમારાં બાળકો પણ ચીડિયા થઇ રહ્યાં હોય તો તેનો અકસીર ઇલાજ એ છે કે તેમને માત્ર ૧૦ મિનિટ માટે પ્રકૃતિની સહેલગાહે લઇ જાવ. ૩૭૬ પરિવાર પર કરાયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોરોના કાળમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના મોટાભાગનાં બાળકો ઘરમાં જ રહેવાને કારણે ચીડિયા થઇ ગયાં હતા. બાળક દોઢ વર્ષનું થાય તે પછી ચીડિયાપણું અને નખરા શરૂ થઇ જાય છે. વાતે-વાતે રડવાનું અને આ ખાવાનું અને પેલું નહીં ખાવાનું શરૂ થાય છે. જોકે બાળકોને ૧૦ મિનિટ માટે પ્રાકૃતિક આબોહવાની સફર કરાવવાથી તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. તેઓ તાજગી અનુભવે છે તેના કારણે ચીડિયાપણું દૂર થઇ જાય છે. વાતાવરણની બાળકોના વર્તન પર વ્યાપક અસર પડે છે.
રિસર્ચનું નેતૃત્વ કરનારાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના સામન્થા ફ્રીડમેન કહે છે કે ૩થી ૭ વર્ષનાં બાળકોને રોજ ૧૦ મિનિટ પ્રકૃતિના ખોળે રાખવાથી તેમના વર્તનમાં હકારાત્મક પરિવર્તન જોવા મળ્યું. જે બાળકો ફૂલ-છોડ અને ગાર્ડનિંગમાં વધુ રૂચિ ધરાવતા હોય તેઓ વધુ ખુશમિજાજ હોય છે.