લંડનઃ નિયમિત કસરત કરવા અને દીર્ઘ જીવન વચ્ચે સંબંધ હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. ભારે હવાઈ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં પણ કસરત આવો લાભ આપે છે. ચાઈનીઝ યુનિવર્સિટી ઓફ હોંગકોંગના સંશોધનમાં ૨૦૦૧-૨૦૧૬ના ૧૫ વર્ષના ગાળામાં તાઈવાનના ૩૮૪,૧૩૦ પુખ્ત લોકો પર નજર રખાઈ હતી. સંશોધનમાંPM2.5s તરીકે જાણીતા પ્રદૂષણના વાતાવરણમાં લાંબો સમય રહેવાથી આયુષ્માં ઘટાડો થવાના તારણોને સમર્થન અપાયું છે.
સંશોધનનો હેતુ નિયમિત કસરત અને લાંબા સમય સુધી PM2.5s સાથે સંપર્કમાં આવવાથી મોતના જોખમ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનો હતો. PM2.5s પ્રકારના રજકણો-પાર્ટિકલ્સ મુખ્યત્વે વાહનોના ટ્રાફિકમાં ડિઝલ એક્ઝોસ્ટ્સ અને બ્રેક પેડ્સ તેમજ લાકડાના બળવા સાથે સંકળાયેલા છે. આ રજકણો ૨.૫ માઈક્રોમીટરથી ઓછી પહોળી ધરાવે છે. આની સરખામણીએ માણસના સરેરાશ વાળનો ડાયામીટર ૯૦ માઈક્રોમીટરના હોય છે. અભ્યાસમાં જણાયું હતું કે જે લોકો સૌથી ખરાબ હવા સાથેના સ્થળોએ રહેતા હતા અને નિયમિત કસરત કરતા હતા તેમને સંશોધન હેઠળના ૧૫ વર્ષના ગાળામાં મોતનું ઓછું જોખમ હતું.
કેનેડિયન મેડિકલ એસોસિયેશન જર્નલમાં પ્રકાશિત સંશોધનના મુખ્ય આલેખક ડો. ક્સીડોગ્સ આંગ ક્વીઆને જણાવ્યું હતું કે,‘ નિયમિત કસરતની આદત હવાઈ પ્રદુષણના વિસ્તારોમાં મોતને અટકાવવામાં નુકસાન કરતાં વધારે લાભ કરે છે. વિશ્વમાં ૧૦માંથી ૯ લોકો વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈન્સ કરતાં વાયુ પ્રદુષણનું સ્તર વધુ હોય તેવા શહેરો સહિતના વિસ્તારોમાં રહે છે. જોકે, હવાની ગુણવત્તા ખરાબ હોય ત્યારે બહાર દોડવા અને અન્ય પ્રવૃત્તિઓ ટાળવી યોગ્ય છે. આવા વખતે ઈનડોર એક્સરસાઈઝ કરવી હિતાવહ છે.’
કેટલું વાયુ પ્રદુષણ સલામત કહેવાય તેની કોઈ મર્યાદા નથી પરંતુ, પ્રદુષણનું સ્તર જેટલું નીચું હોય તેટલું સારું ગણાય.WHO દ્વારા પ્રતિ ક્યુબિક મીટર ૧૦ માઈક્રોગ્રામનું વાર્ષિક કોન્સન્ટ્રેશન માન્ય છે. જોકે, ઈંગ્લેન્ડમાં તેની લિમિટ ૨૫mcgની છે. જે લોકો ભારે પ્રદુષણના વિસ્તારોમાં રહેતા અને નિયમિત કસરત નહિ કરનારા લોકોની સરખામણીએ આવા જ વિસ્તારોના હોય અને મધ્યમ કક્ષાની નિયમિત કસરત કરતા હોય તેવા લોકોને મોતનું જોખમ ૧૫ ટકા ઓછું જણાયું હતું. મધ્યમ કક્ષાની કસરતોમાં દર સપ્તાહે એક કલાકનું જોગિંગ અથવા ત્રણ કલાક ઝડપી ચાલવાનો સમાવેશ થઈ શકે. આનાથી ઊંચા સ્તરની નિયમિત કસરત કરમારા લોકોને મોતનું જોખમ ૩૦ ટકા ઓછું જણાયું હતું.