લંડનઃ કુદરતની નજીક રહેવું આરોગ્ય માટે તો સારું જ છે, પરંતુ તેનાથી ભાવનાત્મક અને વર્તન સંબંધિત મુશ્કેલીઓથી પણ છુટકારો મળે છે. ખાસ કરીને જે બાળકોનું એક્સપોઝર હરિયાળી સાથે વધુ હોય છે, મતલબ કે જંગલ અને વૃક્ષોની સાથે વધુ નિકટતા કેળવે છે તેમનું લાગણીશીલ અને ભાવનાત્મક જોડાણ વધુ હોય છે એટલું જ નહીં તેમના મગજ પણ વધારે વિક્સે છે. આવો અભ્યાસ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન (યુસીએલ) અને ઈમ્પિરિયલ કોલેજના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરાયો છે. અભ્યાસના આધારે સંશોધકોનું કહેવું છે કે, મહામારીના ખાત્મા સાથે કુદરત સાથે નાતો રાખવો વધુ જરૂરી થયો છે. કારણ કે, આ સમયમાં બાળકો મોટા ભાગનો સમય ઘરની અંદર વિતાવે છે.
સંશોધકોએ લંડનની ૩૧ સ્કૂલોના ૯થી ૧૫ વર્ષની ઉંમર ધરાવતા ૩૫૨૮ બાળકો અને ટીનેજર્સને સ્ટડી માટે પસંદ કર્યા હતા. બાળકોને જંગલ, પ્રકૃતિ અને પર્યાવરણની નજીક લઈ જવા માટે આ સ્ટડી ખૂબ જ મહત્ત્વનો છે. રિસર્ચ પેપરના લેખક અને યુસીએલમાં પ્રો. કેટ જોન્સના મતે આ ઉંમરનાં બાળકોને અભ્યાસમાં સામેલ કરવાનું કારણ એ છે કે આ ઉંમર તર્કશક્તિ અને દુનિયાદારીની સમજને લઈને ઘણો મહત્ત્વના છે. આ બાળકોને લાગણીઓને લગતી મુશ્કેલીઓ, વર્તન, હાઈપર એક્ટિવિટી અને મિત્રો સાથેના વર્તનને લગતા સવાલ કરાયા હતા.
સ્ટડી માટે ગ્રૂપને ગ્રીન સ્પેસ અને બ્લૂ સ્પેસ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. ગ્રીન સ્પેસમાં જંગલ અને ઘાસના હરિયાળા મેદાનો અને પાર્ક સામેલ હતા. સંશોધકોએ પોતાના ઘર અને સ્કૂલ વચ્ચેના વિવિધ વાતાવરણમાં બાળકોના દૈનિક વર્તનની નોંધ માટે સેટેલાઈટનો ઉપયોગ કર્યો હતો. બે વર્ષની બિહેવિયરલ નોટ્સના આધારે જાણવા મળ્યું કે જંગલ વિસ્તાર આસપાસમાં રહેલા બાળકોના મગજનો વિકાસ સારો થયો હતો.
આ તારણ સૂચવે છે કે શહેરોમાં રહેઠાણોના નિર્માણમાં પ્રાકૃતિક વાતાવરણ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લીલોતરી અને જંગલનો માહોલ ઈમ્યુન સિસ્ટમમાં પણ વધારો કરે છે. હૃદયની ગતિમાં થતા ફેરફારો અને કોર્ટિસોલને ઘટાડે છે. સંશોધકોના મતે, એ વાતના પૂરતા પુરાવા છે કે કુદરતી વાતાવરણ બાળકો-કિશોરોના માનસિક અને બૌદ્ધિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. ખાસ કરીને બાળકો વયસ્ક થતાં હોય ત્યારે તેનો ફાયદો વધુ મળે છે.
જ્યારે પ્રકૃતિની દૂર કૃત્રિમ વાતાવરણમાં રહેતા બાળકોમાં ભાવનાત્મક સમસ્યા વધારે જોવા મળી હતી. જોકે, આના માટે બાળકો અને તરુણોની ઉંમર, વાતાવરણ, માતા-પિતાનો વ્યવસાય અને સ્કૂલ જેવા પરિબળો પણ અસર કરતા જોવા મળ્યા હતા. સંશોધકોએ બાળકોના વર્તનના અભ્યાસના ભાગરૂપે બાળકોને પ્રશ્નાવલી સ્વરૂપે પણ માહિતી એકત્ર કરી હતી.
યુસીએલના માઈકલ મેસ કહે છે કે, ગ્રીન સ્પેસ ઉપલબ્ધ ના હોય તો ફોરેસ્ટ બાથિંગ એટલે કે જંગલો અને ફૂલો-છોડના સુગંધિત વિસ્તારોમાં જવું, કલરવ સાંભળવાનો પણ વિકલ્પ છે. તેનાથી ઈમ્યુનિટી વધે છે. હૃદયના ધબકારામાં અનિયમિતતા પણ ઘટે છે, જ્યારે બીજા પણ અનેક મનોવૈજ્ઞાનિક લાભ મળે છે.