વોશિંગ્ટનઃ વર્તમાન સમયે દિવસેને દિવસે લોકોમાં માનસિક તણાવ વધતો જાય છે. ભાગદોડભરી જિંદગી અને સામાજિક જીવનના કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે જેની સીધી જ અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે, જે ગંભીર બીમારીઓનું કારણ બને છે. આ સમયે હાલમાં થયેલા એક સંશોધનનું તારણ સૂચવે છે કે નિયમિત પ્રાર્થના કરવાથી માનસિક તણાવમાં ઘટાડો થાય છે એટલું જ નહીં, તે માનસિક સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.
દરરોજ સવારમાં પ્રાર્થના કરવાથી પહેલો ફાયદો તો એકાગ્રતાનો થાય છે. પ્રાર્થનાના કારણે મસ્તિષ્કમાં ચોક્કસ હોર્મોન્સનું પ્રમાણ વધે છે. ઉપરાંત એક આદર્શ માનસિક સ્થિતિનું નિર્માણ થાય છે. આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાના એક અધ્યયનમાં પણ જણાવાયું છે તે પ્રમાણે પ્રાર્થના એ સ્ટ્રેસ ઓછો કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે. હાર્વડ મેડિકલ સ્કૂલના એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે નિયમિત પ્રાર્થના કરતા લોકોને રોગો સામે રક્ષણ મળે છે. મેડિટેશન, યોગ અને પ્રાર્થના શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મદદરૂપ થાય છે. પ્રાર્થના કરવાથી ડોપામાઈનનું સ્તર વધે છે. ડોપામાઈન સારા મૂડ અને ખુશી માટે જરૂરી છે. જેથી ડિપ્રેશન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે.