નવી દિલ્હીઃ આજકાલ સૌંદર્યને વધુ નિખારવા માટે પ્લાસ્ટિક સર્જરીની બોલબાલા છે જેને પ્લાસ્ટિક સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. પ્લાસ્ટિક સર્જરીમાં પ્લાસ્ટિકનો ઉલ્લેખ થાય છે તેના મૂળ ગ્રીક શબ્દ plastikēમાં છે જેનો અર્થ નવો આકાર આપવો થાય છે. ગ્રીક શબ્દનો ઉપયોગ સ્પષ્ટ કરે છે કે પ્લાસ્ટિક સર્જરી વર્તમાન કે આધુનિક શોધની દેણ નથી. જોકે, ઘણાને જાણ પણ નહિ હોય પરંતુ, હકીકત તો એ છે કે સદીઓ પહેલા પણ ભારતમાં પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ કરાતો હતો. આજથી લગભગ 2600 વર્ષ અગાઉ ગંગા નદીના કિનારા પરના પ્રાચીન નગર વારાણસીમાં નાક કપાઈ ગયેલી વ્યક્તિની શલ્યચિકિત્સા અથવા સર્જરી ઈસવી સન પૂર્વે છઠ્ઠી સદીમાં થઈ ગયેલા ભારતીય ચિકિત્સક મુનિ સુશ્રુત દ્વારા કરાઈ હોવાની ઐતિહાસિક પ્રમાણિત નોંધો દિલ્હી ખાતેની કોન્ફરન્સમાં વરિષ્ઠ ભારતીય સર્જન ડો. મનીશ સિંઘલ દ્વારા રજૂ કરાઈ હતી.
દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં પ્લાસ્ટિક, રિકન્સ્ટ્રક્ટિવ એન્ડ બર્ન્સ સર્જરી ડિપાર્ટમેન્ટના વડા ડો. સિંઘલે જણાવ્યું હતું કે, ‘સુશ્રુતે પીડા ઘટાડવા માટે ઈજાગ્રસ્ત વ્યક્તિને પીડાશામકો પીવડાવ્યા હતા, તેના કપાળ પરથી ત્વચાનો હિસ્સો લઈ પાંદડાથી નાકનો આકાર બનાવી તેને સોયથી સીવી લઈને તૈયાર કરેલા નાકને શરીર સાથે જોડી દીધું હતું.’
વાસ્તવમાં હિન્દુ પુરાણો અનુસાર ભગવાન શિવે ક્રોધવશ પુત્ર ગણેશના મસ્તકને છેદી નાખ્યું હતું અને તે પછી ત્યાં હાથીનું મસ્તક લગાવ્યું હતું જેના થકી ગણેશ ગજાનન તરીકે ઓળખાયા હતા. ડો. સિંઘલ કહે છે કે પાશ્ચાત્ય સર્જરી અને તબીબી વિજ્ઞાનના જનક ગણાયેલા હિપોક્રેટસથી એક શતાબ્દી અગાઉ તેમજ યુરોપિયન વિદ્વાનો સેલ્સસ અને ગાલેનથી બે શતાબ્દી પહેલા આ પ્રકારની સર્જરીઓ ભારતમાં કરાતી હતી. ડો. સિંઘલ દ્વારા પ્લાસ્ટિક સર્જરીના જનક સુશ્રુતની સિદ્ધિઓનું દસ્તાવેજીકરણ કરાઈ રહ્યું છે.
ભારતીય ઈતિહાસના પ્રખર શલ્યચિકિત્સક સુશ્રુત વિશે જે કાંઈ જાણકારી પ્રાપ્ત થાય છે એ તેમના દ્વારા સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથ ‘સુશ્રુત સંહિતા’ મારફત થઈ છે. આ ગ્રંથમાં 184 પ્રકરણ છે જેમાં, 1120 બીમારીઓ, 700 ઔષધીય છોડ, ખનિજ તત્વોમાંથી 64 અને પ્રાણીજન્ય સ્રોતો પર આધારિત 57ઔષધની બનાવટનું વર્ણન કરવામાં આવ્યું છે.
‘સુશ્રુત સંહિતા’ શલ્યચિકિત્સા - સર્જરીનો જાણીતો સૌથી પ્રાચીન ગ્રંથ છે જેમાં, બીમારીની તપાસ, નિદાન, સારવાર તેમજ અસંખ્ય બીમારીના પૂર્વાનુમાન તેમજ વિવિધ પ્રકારની કોસ્મેટિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી અને નાક સંબંધિત શસ્ત્રક્રિયા - rhinoplasty કેવી રીતે કરી શકાય તેનું વિવરણ અપાયું છે.