આજકાલ કમ્પ્યુટર્સ અને લેપટોપનો જમાનો છે ત્યારે હાઆખા દિવસના કામકાજના થાક પછી ઘેર આવો ત્યારે કસરત કરવા જિમમાં જવાનો વિચાર કદાચ જ આવે. પહેલો વિચાર પથારીમાં લાંબા થઈ આરામ કરવાને જ આવશે. જોકે, સંશોધનો તો એમ કહે છે કે ભલે થાકેલા હો, કસરત કરવાથી તમારા શરીરને વધુ ઊર્જા મળશે. મેડિસીન એન્ડ સાયન્સ ઈન સ્પોર્ટ્સ એન્ડ એક્સરસાઈઝ જર્નલમાં પ્રસિદ્ધ એક અભ્યાસ અનુસાર મધ્યમ તીવ્રતાથી કસરતના ૩૦ મિનિટના સેશન પછી શરીરમાં થાક-નબળાઈ અને ડિપ્રેશન-હતાશાના સ્તરમાં નોંધપાત્ર સુધારો થાય છે. આનું મુખ્ય કારણ એ છે કે કસરત કરવાથી તમારા કાર્ડિયોવાસ્કુલર આરોગ્યમાં સુધારો થાય છે. આનો અર્થ એ થાય કે તમારા શરીરમાં રક્ત અને ઓક્સિજનનો ભરપૂર પ્રવાહ ફરી વળે છે અને તમારા શરીરમાં વધુ શક્તિનો સંચાર થાય છે. હવે શારીરિક કે માનસિક થાક લાગ્યો હોય તો પણ આરામ કરવાના બદલે થોડી કસરતનો ‘થાક’ મળે તો તે વધુ લાભદાયી હશે.
આરોગ્ય સંભાળની મજેદાર ટીપ
મિજાજ દૂરસ્ત ન હોય ત્યારે એકાદ કેળું ખાઈ લેશો તો મઝા આવી જશે. કેળાં માત્ર આરોગ્યપ્રદ નાસ્તો નથી પરંતુ, આનંદપ્રદ પણ છે. જર્નલ ઓફ એગ્રિકલ્ચરલ એન્ડ ફૂડ કેમિસ્ટ્રીમાં પ્રસિદ્ધ અભ્યાસો મુજબ કેળાના માવામાં ૧૦ મિલિગ્રામ ડોપામાઈન રસાયણ હોય છે. ડોપામાઈન માનવીના શારીરિક અને માનસિક આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. ‘ફીલ ગૂડ’ અથવા તો ખુશી અને મોજની લાગણી લાવનારા હોર્મોન્સમાં ડોપામાઈનનો પણ સમાવેશ થાય છે.