આપણે પ્રોફેસર ભૂલકણા હોવાની રમૂજો ઘણી વખત સાંભળી છે. કોઈ મહિલા પ્રોફેસર ભૂલકણી હોવાનું કહેવાતું સાંભળ્યું નથી. જોકે, વિજ્ઞાનની દૃષ્ટિએ આ સત્ય છે કારણકે સ્ત્રીઓની સરખામણીએ પુરુષો સ્મૃતિદોષથી વધુ પીડાતા હોવાનું સતત પૂરવાર થયેલું છે. પુરુષો લગ્નની વર્ષગાંઠ કે પત્નીનો જન્મદિવસ ભૂલી જતા હોય તે સર્વસામાન્ય હકીકત છે. સ્ત્રી અને પુરુષની યાદદાસ્તની ક્ષમતાઓ સંબંધિત સંખ્યાબંધ અભ્યાસો થયા છે. ધ ક્વાર્ટરલી જર્નલ ઓફ એક્સપરિમેન્ટલ સાયકોલોજીમાં પ્રસિદ્ધ એક અભ્યાસમાં જણાવાયું છે કે સ્ત્રી અને પુરુષના મગજના અલગ અલગ બંધારણના કારણે આમ હોઈ શકે છે. મગજનો હિપ્પોકેમ્પસ- Hippocampus નામનો એક હિસ્સો યાદદાસ્ત કે સ્મૃતિની ક્ષમતા સાથે સંકળાયેલો છે. એક વિશેષ લક્ષણ એ છે કે હિપ્પોકેમ્પસનું કદ કે જથ્થો સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં વધુ ઝડપથી ઘટતો રહે છે જેની અસર યાદદાસ્ત પર પડે છે. જોકે, મેનોપોઝના કારણે હોર્મોન્સની વધઘટ થવાતી ઘણી સ્ત્રીઓની યાદદાસ્ત ઘટે પણ છે.
આરોગ્યની સંભાળની મજેદાર ટીપ
કોરોના મહામારી ચાલી રહી છે અને ઉનાળો પણ આવ્યો છે. આ સમયે સતત પાણી પીતાં રહેવું હિતકારી છે. ઘણા લોકો બોટલબંધ પાણી પીવાનું યોગ્ય માને છે પરંતુ, હકીકત ઉલટી છે. નેચરલ રિસોર્સીસ ડિફેન્સ કાઉન્સિલ (NRDC)ના સંશોધન મુજબ નળના સામાન્ય શુદ્ધ પાણી અને બોટલના પાણી વચ્ચે કોઈ લાભપ્રદ તફાવત હોતો નથી. કેટલાક અભ્યાસ અનુસાર બોટલમાં રહેલા હાનિકારક કેમિકલ્સ સમયાંતરે પાણીમાં ભળવાથી નુકસાન થાય.