આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ખાસિયતો અને સ્વભાવ અલગ અલગ હોય છે. આ બધામાં વર્તમાન યુગ બાયોમેટ્રિક્સનો છે ત્યારે ફિંગરપ્રિન્ટ એટલે કે આંગળીઓની છાપ પર વધુ ધ્યાન અપાય છે કારણ કે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ વિશિષ્ટ હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે દરેક વ્યક્તિની જીભની પ્રિન્ટ પણ વિશિષ્ટ હોય છે?
આપણી જીભ માનવશરીરમાં સૌથી વધુ મજબૂત સ્નાયુઓમાં એક હોવાં ઉપરાંત, તેની અન્ય રસપ્રદ લાક્ષણિકતા એ છે કે જીભની છાપ પણ અનોખી હોય છે.
જીભ જીઓમેટ્રિક આકાર, માહિતી અને ફીઝિયોલોજિકલ જાળીદાર સંરચના ધરાવે છે. તેમાં રહેલી માહિતી ચોકસાઈપૂર્વકની ઓળખની કામગીરીમાં ઉપયોગની ક્ષમતા ધરાવે છે.
જીભની તપાસથી શારીરિક તકલીફ પણ જાણી શકાય છે. મજાની વાત તો એ છે કે જીભ માનવીના મુખમાં સંપૂર્ણ સુરક્ષિત રહે અને આંગળીઓની છાપ કે ફિંગરપ્રિન્ટની સરખામણીએ તેની નકલ કરવું ઘણું મુશ્કેલ છે.
આરોગ્ય સંભાળની મજેદાર ટીપ
કોઈ પણ સંગીત કે વાતચીત સાંભળવા માટે હેડફોન્સનો ઉપયોગ કરાય છે પરંતુ, એક કલાક હેડફોન્સના ઉપયોગથી તમારા કાનમાં બેક્ટેરિયાનું પ્રમાણ ૭૦૦ ગણું વધી જાય છે. આપણે હેડફોન્સ પહેરીએ ત્યારે કાનમાં કુદરતી હવા પ્રવેશવાનું બંધ થઈ જાય છે. જેના પરિણામે, બેક્ટેરિયાનું ઉત્પાદન વધી જાય છે અને કાનનો પડદો બેક્ટેરિયાના વધુપડતા પ્રમાણને સહન કરી શકતો નથી. આથી, લાંબા ગાળે દુઃખાવા તેમજ બહેરાશનું કારણ બની રહે છે. તમે ફાસ્ટ મ્યુઝિક કે ઘોંઘાટિયા સંગીતને સાંભળો છો ત્યારે મગજના મુલાયમ ટિસ્યુ/મેમ્બ્રેનને અસર થાય છે અને લાંબા ગાળે મગજને અસર થાય છે. આથી, અતિશય જરૂરી હોય તો જ હેડફોન્સનો ઉપયોગ કરવો જોઈએ.
રમૂજનો મહામંત્ર
આપણે કહેવત તો સાંભળી છે કે ‘વ્હેન ધેર ઈઝ એ વિલ, ધેર ઈઝ એ વે’.
હવે નવા જમાનાની કહેવત એ છે કે
‘વ્હેન ધેર ઈઝ અ વિલ, ધેર ઈઝ એ રીલેટિવ’