માનવશરીરની રચના અદ્ભૂત છે. આખા શરીરનું વજન ઉચકતાં હાડકા-અસ્થિની વાત કરીએ તો નવજાત બાળકના શરીરમાં આશરે ૩૦૦ હાડકાં હોય છે જેમાંથી કેટલાંક સમયાંતરે જોડાઈ જાય છે અને તે વયસ્ક થાય ત્યાં સુધી હાડકાંની સંખ્યા ઘટીને માત્ર ૨૦૬ થઈ જાય છે. માનવશરીરમાં અડધાથી વધુ હાડકાં તો હાથ, પગ, કાંડા અને ઘૂંટીમાં હોય છે. શરીરમાં સૌથી મોટું હાડકું સાથળનું હાડકું – femur હોય છે જ્યારે સૌથી નાનું હાડકું કાનના પડદામાં આવેલું stirrup – પેંગડુ છે. આપણા દાંતને અસ્થિતંત્રને હિસ્સો ગણવામાં આવે છે પરંતુ, હાડકાની સંખ્યામાં તેની ગણતરી કરાતી નથી. માનવી સૌથી વિશાળ,
ઝડપી અથવા શક્તિશાળી પ્રાણી ન હોવાં છતાં, લાંબુ અંતર દોડવામાં માનવી શ્રેષ્ઠ છે. લાંબા પગ, ટટ્ટાર શરીર અને ગરમીને પરસેવા મારફત શરીરની બહાર ફેંકવાની ક્ષમતા જેવા પરિબળો તેને સારો દોડવીર બનાવે છે. માનવીના હાડકાં પોલાદ કરતાં પણ મજબૂત હોય છે. જોઈએ તો, દિવાસળીના બોક્સની સાઈઝનું હાડકું ૧૮,૦૦૦ પાઉન્ડ સુધીનું વજન ઝીલવાં સક્ષમ હોય છે.
આરોગ્યની સંભાળની મજેદાર ટીપ
સુકાવેલી દ્રાક્ષ અથવા કિસમિસ મનભાવન ડ્રાય ફ્રૂટ છે. રોજ કિસમિસ ખાવાથી અથવા તેને પલાળી તેના પાણીનું સેવન કરવામાં આવે તો હૃદય અને લિવરના આરોગ્યથી માંડી ઈમ્યુનિટી વધારવામાં તે લાભકારી છે. કિસમિસમાં મોટા પાયે ફાઈબર, એન્ટિઓક્સિડેન્ટ્સ અને માઈક્રોન્યૂટ્રીઅન્ટ્સ (પોષકદ્રવ્યો) રહેલાં છે. કિસમિસ બ્લડપ્રેશરને સંતુલિત રાખવામાં પણ મદદરુપ છે.