આજકાલ કમ્પ્યુટર્સ અને લેપટોપનો જમાનો છે ત્યારે હાથ વડે લખવાની પ્રેક્ટિસ રહી નથી. જોકે ઈન્ડિયાના યુનિવર્સિટીના સંશોધન અનુસાર તમારે કોઇ બાબત યાદ રાખવી હોય તો લખાણ ટાઈપ કર્યા વિના હાથથી લખવાનું રાખો. ટાઈપિંગની સરખામણીએ હાથથી લખવાનું આવે ત્યારે અલગ અલગ માનસિક પ્રક્રિયાઓ કામે લાગી જાય છે. કાગળ પર લખતી વખતે મગજની રેટિક્યુલર એક્ટિવેટિંગ સિસ્ટમ (RAS) સક્રિય બને છે. ઉદાહરણ લઈએ તો લેક્ચર દરમિયાન તમે નોટ્સ લખતા હો ત્યારે પ્રોફેસર કે સ્પીકર શું બોલે છે તેના પર બરાબર ધ્યાન આપી સાંભળવું પડે છે કારણ કે દરેક શબ્દ લખવો મુશ્કેલ રહે છે. આમ તમારી સાંભળવાની, મગજમાં ઉતારવાની અને માહિતીને સંક્ષિપ્ત રુપ આપવાની પ્રક્રિયા અસરકારક બને છે જે લેપટોપમાં ટાઈપિંગથી લખાણ કરતી વેળાએ શક્ય બનતું નથી. ઘણા લેખકો ટાઈપરાઈટરના બદલે હાથથી જ વાર્તા કે નવલકથાનો ડ્રાફ્ટ લખવાનું પસંદ કરે છે. હાથથી લાંબુ લખવું કે શરીર કરતા મગજ માટે વર્કઆઉટ બની રહે છે. જો મગજને સક્રિય અને રાખવું હોય તો થોડુંઘણું હાથથી લખવાનું રાખજો.
આરોગ્યની સંભાળની મજેદાર ટીપ
વર્તમાન યુગમાં સહુને કોલેસ્ટરોલની સમસ્યા સતાવે છે. એવોકાડો અને સફરજન તેમજ નારંગી જેવાં ખાટાં ફળો અને કેળાં કોલેસ્ટરોલનું પ્રમાણ નીચે લાવવામાં મદદ કરે છે. કોલેસ્ટરોલ તદ્દન ખરાબ નથી કારણ કે આપણા લિવરમાંથી ઉત્પાદન કરાતું કોલેસ્ટરોલ ખરેખર તો શરીરને હોર્મોન્સ, વિટામીન ડી તેમજ અન્ય મહત્ત્વના પદાર્થો બનાવવામાં મદદરૂપ સામગ્રી છે. જો તેનું પ્રમાણ વધારે હોય તો હૃદય માટે મુશ્કેલી નોંતરી શકે છે. એક માન્યતા એવી છે કે મેદસ્વી કે સ્થૂળ લોકોને જ કોલેસ્ટરોલની સમસ્યા હોય છે અને પાતળા માણસોને હોતી નથી. જોકે આ માન્યતા તદ્દન ખોટી છે.