રસભરી કેરીની સીઝન આવી ગઈ છે! જ્યાં જૂઓ ત્યાં કેસર, તોતાપૂરી, આલ્ફાન્ઝો એટલે કે હાફૂસ, સિદૂરી, લંગડા, બદામ, રાજાપૂરી, દશહરા સહિત અનેક પ્રકારની કેરીથી બજાર ઉભરાઈ ગયું છે. પેટભરીને કેરીની રસલહાણ માણજો પરંતુ, કહ્યું છે ને કે ‘અતિ સર્વત્ર વર્જયેત’, માટે જરા સાચવજો. કેરી વધારે પડતી ખાવામાં આવી જાય તો પેટમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે. આ ઉપરાંત, કેરી ખાવાથી બ્લડ સુગરમાં ઉછાળો પણ આવે છે માટે ડાયાબિટીસ ધરાવતા લોકોએ તો કેરી વધુ ખાવાનો મોહ ત્યાગી જ દેવો જોઈએ. કેરી માત્ર સ્વાદમાં રસભરી લાગે છે એવું નથી, તેમાં ફાઈબર, વિટામીન્સ, મિનરલ્સ તેમજ મેંગીફેરિન અને ગ્લુકોસીલ ક્ઝેન્થોમ જેવા એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ મોસમી ફળથી મન લલચાઈ જાય તે સ્વાભાવિક છે પરંતુ, ડોક્ટર્સ અને નિષ્ણાતો ચેતવણીના સૂરે કહે છે કે વધુપડતી કેરી ખાવાથી આરોગ્યને વિપરીત અસર થઈ શકે છે.
કેરીથી નુકસાન કેવી રીતે થાય?
અભ્યાસો જણાવે છે કે ચોક્કસ જાતની કેરી વધુ ખવાય તો ગળામાં દુઃખાવો અથવા એલર્જી (પેટમાં દુઃખાવો, છીંકાછીંક અને નાક ગળવાનું) તેમજ અપચો અને ઉલટી પણ થઈ શકે છે. બેંગલૂરુની એસ્ટર સીએમઆઈ હોસ્પિટલના ક્લિનિકલ ન્યૂટ્રિશન ડાયાબીટીસના વડા ડો. એડવિના રાજ કહે છે કે, ‘કેરીમાં ફ્રુક્ટોઝ જેવાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર હોય છે. ગ્લુકોઝની સરખામણીએ ફ્રુક્ટોઝ વધુ ખવાય તો સમતુલા ખોરવાય અને ટ્રાઈગ્લિસરાઈડ, બ્લડ સુગર, સતત ઓડકાર તેમજ પાચનની અન્ય સમસ્યાઓ સર્જાઈ શકે છે. ઘણા લોકોને ટ્રોપિકલ ફ્રૂટ્સની એલર્જી હોય છે જેના કારણે ગળામાં દુઃખાવો પણ થઈ શકે છે.’
કેરી ખાવાની સાચી રીત કઇ?
ડો. રાજ ભારપૂર્વક કહે છે કે, કેરી પર છંટાયેલા પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ઘટાડવા તેને ખાતાં પહેલાં ઓછામાં ઓછાં બે કલાક પાણીમાં પલાળી રાખવી જોઈએ. ‘કેરીને નાસ્તા સ્વરૂપે ખાવી હિતાવહ છે. રાત્રિભોજન પછી કેરી ખાવાનું ટાળજો. જો તમને કેરી ખાધા પછી અસુખ કે અસ્વસ્થતા જણાતી હોય તો ફળ ખાવાનું ટાળી ડોક્ટરની સલાહ લેવી જોઈએ’, તેમ ડો. રાજે કહ્યું હતું. કેરીમાં કેલરી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેનાથી કેટલાક લોકોનું વજન વધી શકે છે. સરેરાશ સાઈઝની કેરીમાં આશરે 150 કેલરી હોય છે. જો તમે વજન ઘટાડવાની કવાયત કરતા હો તો તમારે કેરી થોડાં પ્રમાણમાં ખાવી જોઈએ.
કેમિકલથી પકવેલી કેરી કેવી રીતે ઓળખશો?
મોટા ભાગે કેરી કૃત્રિમ રીતે પકવાય છે અને તેને કુદરતી અને તાજી ગણાવી વેચાણ થાય છે. જો તમે વધુપડતી રસભરી અને મીઠ્ઠી જણાતી કેરી ખાતા હો તો તો તેને રસાયણોના ઉપયોગથી પકવવામાં આવી હોય તે શક્ય છે. એક પાકેલી કેરી લો અને પાણીના બકેટમાં રાખો. જો તે ડૂબી જાય તો તે કુદરતી રીતે પાકેલી હોવાનું ગણાય. જો કેરી પાણીમાં તરતી રહે તો તેને કૃત્રિમ રીતે પકવેલી હોવાનું ખબર પડી જશે.